Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સુરતમાં રિક્ષામાં બેસેલા જવેલર્સને સહમુસાફરના સ્વાંગમાં બેઠેલ ગઠિયો 1.30 લાખનું પર્સ ચોરી છૂમંતર.....

સુરત: સગરામપુરાથી ભાગળ જવા ઓટો રીક્ષામાં બેસેલા જ્વેલરને સહમુસાફરના સ્વાંગમાં ભેટી ગયેલા ગઠિયા ખિસ્સામાંથી રૂ. 1.30 લાખની મત્તાના દાગીના વાળું પર્સ તફડાવી રીક્ષા બગડી ગઇ છે એમ કહી રસ્તામાં ઉતારીને ભાગી ગયા હતા. સગરામપુરાના કૈલાશનગર સ્થિત રવીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનાના દાગીનાનું જોબવર્ક કરતા કિરણ નંદલાલ પારેખ (ઉ.વ. 58) ગત સાંજે ઘર પાસેથી ઓટો રીક્ષામાં બેસી ભાગળ જવા નીકળ્યા હતા. રીક્ષામાં અગાઉથી જ સહમુસાફરના સ્વાંગમાં સવાર ત્રણ ગઠિયાઓએ કિરણભાઇના પેન્ટના ખિસ્સામાંથી સોનાનું 26 ગ્રામ વજનનું પેન્ડલ અને 17 ગ્રામનો ટુકડો મળી કુલ રૂ. 1.30 લાખની મત્તાના દાગીના વાળું પર્સ તફડાવી લીધું હતું. ચાલકે રીક્ષામાં બેસાડયાની ગણતરીની મિનીટોમાં જ ગઠિયાઓએ પર્સ સેરવી લીધા બાદ તુરંત જ રીક્ષા બગડી ગઇ છે એમ કહી કિરણભાઇને ઉતારીને ચાલક સહિત ગઠિયાઓ રીક્ષા પુર ઝડપે હંકારી ભાગી ગયા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ કિરણભાઇને શંકા જતા તેમણે તુરંત જ અઠવાલાઇન્સ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ચાલક સહિતના ગઠિયાઓએ જે રસ્તા પર પર્સ સેરવી લીધું ત્યાં સીસીટીવી કેમેરા નથી અને છેલ્લા દોઢ-બે મહિનામાં ચારથી પાંચ ઘટના બનવા પામી છે. 

(5:35 pm IST)