Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકો રોષે ભરાયા

ઠાસરા : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામથકમાં હોસ્પિટલમાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાથી લોકો રોષે ભરાયા છે. રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને કર્મચારીઓને રહેવાના ક્વોર્ટ્સ પાસે જ પારાવાર ગંદકી ફેલાયેલી હોવાથી રોગચાળાનો ભય ફેલાયો છે.

ઠાસરા સરકારી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહેતા અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ અને કર્મચારીઓ રોગચાળા ભય હેઠળ જીવી રહ્યા છે. રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પીએમ રૂમની પાસે આવેલ કર્મચારી ક્વોર્ટસ નજીક જંગલી ઝાડીઝાંખરા ઊગી નીકળ્યાં છે. આ ઉપરાંત અહીંનું બાંધકામ વરસો પહેલાંનું હોઈ જર્જરિત છે. આ કારણે ગટરલાઈનો પણ નબળી છે અને રસ્તાઓ પર ગટરના પાણી ઊભરાયેલાં રહે છે. ગટરનું દુર્ગંધ મારતું ગંદું પાણી ચારેતરફ ફેલાય છે અને આવી ગંદકીમાંથી ડોક્ટર્સ-કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ આવ-જા કરવી પડે છે. આ સ્થિતિને કારણે ડોક્ટર્સ-પરિવારોમાં રોગચાળાનો ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ગંદકીને કારણે અહીં રોગચાળાના કેસો પણ આવ્યા છે. કેટલાક લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા થયો હોવાનું જાણવા મળે છે. હોસ્પિટલમાં જ કામ કરતા કર્મચારીઓએ આ ગંદકીને લીધે પારાવાર તકલીફ વેઠવાનો વારો આવ્યો છે અને સતત રોગચાળાના ભય વચ્ચે જીવવું પડે છે. આ સામે રહેવાસીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે અને વહેલીતકે આ વિસ્તારની ગંદકી સાફ કરાવવાની માંગણી ઊઠી છે.

(5:34 pm IST)