Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગાંધીનગર જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ મળી આવતા ફોગીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ગાંધીનગર:મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયાલક્ષી હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઇકાલે એક જ દિવસમાં હેલ્થ વિભાગની કુલ ૧૬૨ ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એક દિવસમાં ૨૨,૩૯૫ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૯૭૦ ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આ તમામ ઘરોમાં મળીને કુલ ૩૨૮૧૦ પાણીના પાત્રો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી પાણીની ટાંકી, કુંડા, ચકલોડીયા, ટાયર, નાળીયેર, કોડીયા મળી કુલ ૧,૨૫૯ પાણીના પાત્રોમાંથી મોટી સંખ્યામાં મચ્છરોનું બ્રીડીંગ મળી આવ્યું હતું. એટલું જ નહીં મચ્છરોનો ઉપદ્રવ ધરાવતાં ગાંધીનગર શહેરી વિસ્તારના ૫૦૦થી વધુ ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું તેમ ગાંધીનગર કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ આ પ્રકારે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે અને મચ્છરજન્ય - વાહકજન્ય રોગચાળા બાબતે નગરજનોને જાગૃત પણ કરવામાં આવશે.

(5:32 pm IST)