Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વિવિધ પ્રશ્નોને લઇને ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનની ભૂપેન્દ્રભાઇ પટેલને રજુઆત

ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી નિવાસસ્થાને ઓનલાઇન વેચાતી દવાઓનું વેચાણ બંધ કરાવવું, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની ઓછા ભાવની દવાઓના વેચાણમાં ફેડરેશનના સભ્યોને સામેલ કરવા કાશ્મીર વેલીમાં થયેલ દવાના વેપારીની ઘાતકી હત્યા સંદર્ભે લાગણી-માંગણી વ્યકત થઇ

રાજકોટ,તા. ૧૧: સમગ્ર ગુજરાતમાં અંદાજે ૨૪ હજાર જેટલા દવાના વેપારીઓ સભ્યોના સંગઠન ધી ફેડરેશન ઓફ ગુજરાત સંગઠન કેમીસ્ટસ એન્ડ ડ્રર્ગીસ્ટસ એસોસીએશન્સના હોદ્દેદારો દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવી છે.

ફેડરેશનના પ્રમુખશ્રી જશવંતભાઇ (જશુભાઇ) પટેલના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલ શુભેચ્છા મુલાકાતમાં ભારતમાં ઓનલાઇન વેચાતી દવાઓના વેચાણને બંધ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. ભારતમાં ઓનલાઇન દવા વેચાણનો કોઇ કાયદો જ ન હોવાનું રજુઆતમાં  જણાવાયું છે. ઉપરાંત જે દવાઓ નિયમ મુજબ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર આપી ન શકાય તેવી નાર્કોટીકસ કે ગર્ભપાતની દવાઓ પણ ઓનલાઇન પોર્ટલ ઉપર આસાનીથી મળતી હોવાની રજુઆત કરવામાં આવી છે.

સાથે -સાથે ગામે-ગામ સરળતાથી લોકો સુધી સસ્તી દવાઓ પહોંચી શકે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં મળતી દવાઓ વેચવાની મંજૂરી ફેડરેશનના તમામ સભ્યોને આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

તાજેતરમાં કાશ્મીર વેલીમાં આવેલ શ્રીનગર કેમીસ્ટ એસોસીએશનના સેવાભાવી સભ્ય અને દવાના વેપારી સ્વ.એમ.એલ. બિન્દરૂની થયેલ ઘાતકી હત્યા સંદર્ભે દોષિતોને કડક સજા મળે અને સ્વર્ગસ્થના બલિદાનને ધ્યાનમાં રાખી તેમને શહીદરૂપે યોગ્ય વીરતા પુરસ્કાર આપવામાં આવે તેવી લાગણી  પણ આવેદનપત્રમાં વ્યકત કરવામાં આવી છે. રજુઆતમાં ધી ફેડરેશન ઓફ ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના ચેરમેનશ્રી અલ્પેશભાઇ પટેલ, પ્રમુખશ્રી જશવંતભાઇ પટેલ, સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ શંકરભાઇ પટેલ, વાઇસ પ્રેસીડેન્ટ મયુરસિંહ જાડેજા, સેક્રેટરીશ્રી કિરીટભાઇ પલાણ, જોઇન્ટ સેક્રેટરી અનિમેષભાઇ દેસાઇ, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી સંજીવભાઇ શાહ, ખજાનચી આંબાલાલ પટેલ, સૌરાષ્ટ્રના વાઇસ પ્રેસીડેન્ટ ટુ ફેડરેશન સત્યેનભાઇ પટેલ,સૌરાષ્ટ્રના જોઇન્ટ સેક્રેટરી ટુ ફેડરેશન કેયુરભાઇ કોઠારી સહિતના હોદ્દેદારો જોડાયા હતા. જશુભાઇ પટેલ (અમદાવાદ), મયુરસિંહ જાડેજા (રાજકોટ), અનિમેષભાઇ દેસાઇ (રાજકોટ) સહિતના હોદ્દેદારોએ અસરકારક રજુઆતો કરી હતી.

(3:14 pm IST)