Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભાજપના ૯ હજાર કાર્યકરો માટે ૪૨ પ્રશિક્ષણ વર્ગો

તા. ૧૬ થી ૪ તબક્કે ત્રણ-ત્રણ દિવસનું આયોજન : દરેક વર્ગમાં ૧૫ વકતાઓ માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૧૧ : ગુજરાત ભાજપના કાર્યકરો માટે દિવાળી પહેલા ચાર તબક્કે રાજ્યમાં ૪૨ પ્રશિક્ષણ વર્ગો યોજાનાર છે. જેમાં વિવિધ વિષયો પર પાર્ટીના નિષ્ણાંત વકતાઓ માર્ગદર્શન આપશે. સંગઠન અને ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને આ વર્ગોનું વિશેષ મહતવ માનવામાં આવે છે જે તે શહેર - જિલ્લો નિયત જગ્યાએ વર્ગ યોજશે. રાજ્યમાં ૪૨ વર્ગોમાં ૯ હજાર જેટલા કાર્યકરો અપેક્ષિત રહેશે. તા. ૧૬ ઓકટોબરથી તબક્કાવાર વર્ગો રાખેલ છે.

ભાજપની દ્રષ્ટિએ ૩૩ જિલ્લાઓના એક-એક તેમજ મહાનગરોના અલગ વર્ગ યોજાશે. અમદાવાદ મહાનગરનું કાર્યક્ષેત્ર વધુ મોટું હોવાથી ત્યાંના બે વર્ગ થશે. કુલ ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોના ૪૨ વર્ગો થશે. જિલ્લા અને મહાનગરની પાર્ટી કારોબારી, પંચાયત કે કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યો, વોર્ડ અને તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓ, જિલ્લાના મોરચાના પ્રમુખ - મહામંત્રીઓ સહિત પ્રત્યેક વર્ગમાં ૧૫૦થી ૨૨૫ જેટલા કાર્યકરો અપેક્ષિત રહેશે.

દરેક વર્ગમાં પંદર-પંદર વકતાઓ અલગ-અલગ વિષય પર માર્ગદર્શન આપશે. કુલ ૨૦૦માંથી ૧૫ વકતાઓ પસંદ કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ, ભારતની શકિત, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનો પ્રભાવ, પાર્ટીની કાર્ય પધ્ધતિ વગેરે વિષયો પર કાર્યકરોને પ્રશિક્ષણ આપવામાં આવશે.

(1:00 pm IST)