Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ચાલુ બાઈકે ઝઘડો થતા પતિએ સેનેટરી ઈન્સ્પેકટર પત્નીને ધક્કો મારી પછાડી દીધી

ઈજાગ્રસ્ત પત્નીએ પતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી, અગાઉ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પિયરમાં રહેવા આવી હતી

 અમદાવાદઃ એએમસી વિભાગમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી મહિલા અને તેના પતિ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બંન્ને વચ્ચે ઝઘડો થતા પતિએ મહિલાને ચાલુ બાઈકે ગાળો બોલી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જેથી મહિલાના નાકના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

 જીવરાજ પાર્કમાં રહેતા અને મકતપુરા એએમસી વોર્ડમાં આરોગ્ય ખાતાના મેલેરીયા વિભાગમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી ૩૨ વર્ષીય મહિલા કૌટુંબીક કારણોસર છેલ્લા દસ દિવસથી પિયરમાં રહેવા ગઈ હતી. જો કે એક દિવસ તેના પતિને વાતચીત કરવા માટે પિયરમાં બોલાવ્યો હતો. આ દરમિયાન મહિલા તેના પતિ સાથે વાતચિત કરીને બાઈક પર બહાર ફરવા માટે ગયા હતા.

રાત્રીના સમયે સેટેલાઈટ પાસે પહોંચ્યા ત્યારે પતિ સાથે નણંદ બાબતે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ મહિલાને ગાળો બોલીને ચાલું બાઈક પરથી ધક્કો મારીને જમીને પાડી દીધી હતી. જેના કારણે મહિલાને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી બાજુ પતિ બાઈક લઈને જતો રહ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત મહિલા સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. આ અંગે મહિલાએ તેના પતિના વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

(12:59 pm IST)