Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજ્યના વેક્સિનેશનમાં વડોદરા બીજા નંબરે:મેગા વેક્સિનેશન કેમ્પમાં 50,850 લોકોનું રસીકરણ થયું

46 હજારના ટાર્ગેટ સામે 50,850ને રસી મૂકાઈ:8810 લોકોને પ્રથમ ડોઝ અને 42,040 લોકોને બીજો ડોઝ અપાયો : જે પૈકી 27,980 પુરુષ અને 22,870 મહિલા સામેલ

વડોદરા :શહેરમાં રવિવારે યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પમાં સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 50,850 લોકોએ રસી લીધી હતી. રાજ્યના વેક્સિનેશનમાં વડોદરા બીજા નંબરે આવ્યું છે. 46 હજારના ટાર્ગેટ સામે 50,850ને રસી મૂકાઈ હતી. જેમાં 8810 લોકોને પ્રથમ ડોઝ અને 42,040 લોકોને બીજો ડોઝ અપાયો હતો. જે પૈકી 27,980 પુરુષ અને 22,870 મહિલા સામેલ હતી.

આશાવર્કરો દ્વારા 10 દિવસ તમામ અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારમાં બાકી લોકોની યાદી તૈયાર કરી રસીકરણ માટે જાગૃત કરાયા હતા. જ્યારે બીજા ડોઝ માટે અર્બન હેલ્થ સેન્ટરના ડેટા મુજબ યાદી તૈયાર કરી દોઢ લાખ લોકોને મેસેજ-ફોન કરાયા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે યોજાયેલા કેમ્પમાં 90.60% રસીકરણ થયું હતું, જ્યારે બીજા ડોઝનું 69 ટકા રસીકરણ નોંધાયું હતું. બીજી તરફ જિલ્લામાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 37,700 લોકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને કહ્યું હતું. જેમાં કુલ 5502 લોકોએ પહેલો ડોઝ લીધો હતો, જ્યારે 32,234 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.

  મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કમિશનર અને મેયરના માર્ગદર્શન હેઠળ મેગા ડ્રાઇવ સફળ રહી હતી. 91 ટકા રસીકરણ સાથે વડોદરા રાજ્યમાં બીજા નંબરે આવ્યું હતું.લોકોએ વધુ પ્રમાણમાં રસી લેવાને કારણે તેમની દિવાળી સારી જશે અને મહિલા કર્મચારીઓએ નવરાત્રીમાં રાત્રે પણ રસીકરણ કર્યું તે પ્રશંસનીય છે. સેકન્ડ ડોઝનો બેકલોગ ઓછો થાય એ પણ સારી વાત છે.

  શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયાએ રવિવારે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સુભાનપુરા અતિથિગૃહ ખાતે મુખ્ય આરોગ્ય અમલદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં તેમણે પ્રથમ ડોઝ લેતાં જણાવ્યું હતું કે, કોરોનાને પગલે તેમણે જે તે સમયે રસી લીધી નહોતી, એન્ટીબોડીનો ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ 6 મહિના બાદ એન્ટીબોડી ઘટતી હોવાને પગલે રસીકરણ કરાવ્યું છે.

(12:43 pm IST)