Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

દિવાળીના તહેવારમાં વતન જવું સરળ :એસટી નિગમ દ્વારા 29મીથી 4 નવેમ્બર સુધી એસટી “આપ કે દ્વારે” યોજના શરૂ

સોસાયટીથી પીકઅપ કરી તેમના ગામ સુધી નોનસ્ટોપ બસ સર્વિસ દ્વારા પહોંચાડવામાં આવશે: ઓનલાઇન બુકિંગમાં મળશે ડિસ્કાઉન્ટ

અમદાવાદ :  દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. ત્યારે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે એસટી નિગમ દ્વારા 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન એસટી “આપ કે દ્વારે” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 51 સીટનું ગ્રુપ બુકિંગ કરાવતા લોકોને નિગમ દ્વારા તેમની સોસાયટીથી પીકઅપ કરી તેમના ગામ સુધી નોનસ્ટોપ બસ સર્વિસ દ્વારા પહોંચાડવામાં આવશે. પરિવારના સભ્યો દ્વારા જે તે રૂટ ૫૨ ઓનલાઈન ગ્રુપ બુકિંગ પર 5 ટકા તેમજ રિટર્ન ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સુરત જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના લોકો વસે છે. તેઓ દિવાળી દરમિયાન સુરક્ષિત અને સરળતાથી વતન પહોંચી શકે તે માટે જરૂરિયાત મુજબ રેગ્યુલર બસો ઉપરાંત ડિમાંડ મુજબ વધારાની બસો પણ દોડાવવા ST નિગમે નિર્ણય લીધો છે.

 દિવાળીના તહેવારમાં વેકેશન મનાવવા લોકો વતન જતા હોય છે. અને, દિવાળીના તહેવારોમાં એસટી બસ અને રેલવે સ્ટેશન પર સવિશેષ ભીડ થાય છે. ત્યારે આ પરિસ્થિતિને ખાળવા એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવાય છે. જેથી મુસાફરોની સગવડમાં વધારો થાય અને બસ સ્ટેશન પર ઉમટતી ભીડને ખાળી શકાય.

(12:01 pm IST)