Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પ્રેસ ક્લબ નર્મદા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો પ્રારંભ

લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો પ્રયાસને સાંસદ, ધારાસભ્ય સહિત અધિકારીઓ એ બિરદાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામા ઘણા વખતથી લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા દ્વારા જીવંત રાખવાનો  સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત અને સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજીત અને સ્વ. રત્નસિંહજી મહિડા ના સ્મરણાર્થે દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021નો પ્રારંભ ત્રીજા નોરતે તા 09.10.21 શનિવારે નવદુર્ગા હાઈસ્કૂલના પટાંગણ મા યોજાયો હતો.

 સમારંભના ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે પી.ડી. વસાવા, ધારાસભ્ય, નાંદોદ, સમારંભના અતિથિવિશેષ તરીકે  ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન, નર્મદા સુગર,,તથા કૂલદીપસિંહ ગોહિલ પ્રમુખ, રાજપીપળા નગરપાલીકા અને રીનાબેન પંડયા, આચાર્યા, નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા તથા ખરીદવેચાણ સંઘ પ્રમુખ અરવિંદ પટેલ તથા ભાજપાજિલ્લા કારોબારી સદસ્ય કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી પ્રથમ દિવસના શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપે સ્વાગત પ્રવચન કરી સતત નવમાં વર્ષે નર્મદામા લૂપ્ત થઈ રહેલા શેરી ગરબાને જીવંત રાખવાનું કામ પ્રેસ ક્લબ નર્મદા કરી રહી છે, ચાલુ વર્ષે નગરની દશ શેરીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું જણાવી મહેમાનોને આવકાર્યા હતા.
પ્રથમ દિવસે પાંચ જેટલી શેરીઓ જય માતાજી ગ્રુપ, દરબાર રોડ, રાજપીપલા,જય અંબે ગ્રુપ, કાછીયાવાડ, રાજપીપલા,નવાપરા યુથ ક્લબ,રાજપીપલા,માં શક્તિ ગ્રુપ, કાછીયા વાડ, રાજપીપલા, બ્રાહ્મણીયા ફળિયા, યુવા મંડળ, કાછીયા વાડ રાજપીપલાએ ઉત્સાહ ભેર ભાગ લઈ શેરી ગરબાની સુંદર રમઝટ બોલાવી હતી.ભાગ લેનાર દરેક સ્પર્ધાક બહેનોને પ્રેસ ક્લબ તરફથી લ્હાણી અપાઈ હતી.જેમાં નિર્ણાયક તરીકે મનહરબેન મહેતા, દક્ષાબેન પટેલ, જ્યોતિબેન જગતાપ, અને ફાલ્ગુનીબેન પંચોલીએ સેવા આપી હતી. જયારે કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ માછીએ કર્યું હતું.બાદ પૂર્ણાહુતી કાર્યક્મ બીજે દિવસે અન્ય પાંચ શેરીઓના ગરબા રમાશે. ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમમા ત્રણ વિજેતા ગ્રુપને પ્રેસ ક્લબ નર્મદા તરફથી રોકડ ઇનામ, ટ્રોફી તથા પ્રમાણપત્ર અપાશે.પહેલી વાર એકજ સ્થળે બેસીને બધા ગરબા સાથે બેસીને જોવાનો લ્હાવો સૌને ગમ્યો હતો.

(10:49 pm IST)