Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપર પ્રીમિયમ સર્વિસ શરૂ

અમદાવાદથી જયપુરનું 1361 રૂપિયા ભાડું : મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સિરોહી, પાલી, અજમેર થઈને બસ દોડશે.

અમદાવાદ : ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપરની પ્રીમિયમ સર્વિસ શરૂ કરાઈ છે. આ પહેલાં  અમદાવાદથી વોલ્વો સીધી નાથદ્વારા વોલ્વો સેવા ચાલુ કરાઈ હતી અમદાવાદથી ઉદયપુર જવા માટે પણ રાજસ્થાન નિગમ દ્વારા બસ ચલાવવામાં આવી રહી છે.હવે અમદાવાદથી જયપુર સ્લીપર વોલ્લો બસ સેવા શરુ કરવામાં આવી છે. ગુજરાતમાંથી એક રાત્રિના સફરમાં અમદાવાદથી મુસાફરોને જ્યપુર પહોંચાડી શકાય તેવો સમય એસટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

    અમદાવાદ-જયપુર પ્રીમિયમ બસ સર્વિસ અમદાવાદથી દરરોજ સાંજે 7.00 વાગે ઊપડશે અને બીજા દિવસે સવારે 8.00 વાગે જયપુર પહોંચશે. જયપુરથી અમદાવાદ પરત આવવા માટે સાંજે 4.30 વાગે ઊપડશે અને તે બીજા દિવસે વહેલી સવારે 5.30 વાગે અમદાવાદ પહોંચાડશે. વાયા મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સિરોહી, પાલી, અજમેર થઈને આ બસ દોડશે.

 

બસ સર્વિસનું અમદાવાદથી જયપુરનું ભાડું 1361 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી જયપુર સુધી ટ્રેનનું ભાડું સેકન્ડ ACમાં 1340 રૂપિયા અને થર્ડ ACમાં 930 રૂપિયા છે. અમદાવાદથી જયપુર વોલ્વો શરુ થવાથી બસમાં જ સફર કરનારા લોકોને રાહત રહેશે. આમ જે લોકો ફક્ત બસમાં સફર કરવા માટે ટેવાયેલા છે તેમના માટે રાહતની મુસાફરી રહેશે.

(10:19 pm IST)