Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કૃષ્ણનાં દેહોત્સર્ગ સ્થળે શિખર પર સુવર્ણ કળશ

રથયાત્રાનો નવો રેકોર્ડ સર્જયો

અમદાવાદ, તા.૧૧ : ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ સ્થળ એવા ભાલકાતીર્થના નૂતન મંદિર પર ધ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે. ત્યારે ૧૧૦૦ કાર અને ૩૫૦૦ બાઈક સાથે બે કિમી લાંબી રથયાત્રા દ્વારકાથી પ્રસ્થાન કરાવવામાં આવી છે. આ રથયાત્રા આવતીકાલે તા.૧૨ ઓક્ટોબરના રોજ શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. આ રથયાત્રાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૦થી ૧૩ ઓક્ટોબર સુધી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ધ્વજારોહણ, ધર્મધ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. આજે સવારે ૯-૦૦ વાગ્યે દ્વારિકાથી ભાલકાતીર્થ સુધીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

રથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ રથયાત્રા ઉપલેટા, જૂનાગઢ સહિતના ગામો-શહેરોમાંથી પસાર થઇ આવતીકાલે તા. ૧૨ ઓક્ટોબરના રોજ વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. જયારે તા. ૧૩ ઓક્ટોબરના રોજ રવિવારે સવારે ૮-૦૦ વાગ્યાથી નારાયણયાગ યજ્ઞનો શુભારંભ થશે. આમ, ત્રિદિવસીય ભાલકેશ્વર મહોત્સવની ઉજવણીને લઇ લાખો શ્રધ્ધાળુ ભકતોમાં શ્રી કૃષ્ણ ભકિતનો માહોલ છવાયો છે.

(10:14 pm IST)