Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

લક્ષચંડી મહાયજ્ઞ માટે મોદી તેમજ અમિત શાહ પહોંચશે

૧૮-૨૨ ડિસે. વેળા શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી યજ્ઞ : ત્રણ જગદ્ગુરૂ શંકરાચાર્ય પણ લક્ષચંડી મહાયજ્ઞમાં ખાસ હાજર રહેશે : દેશ-વિદેશના ૮૦ લાખથી વધુ લોકો જોડાશે

અમદાવાદ, તા.૧૧ : શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી તા.૧૮થી તા.૨૨ ડિસેમ્બર દરમ્યાન ઉંઝા-વિસનગર રોડ પરની ટીપી સ્કીમ નં-૮ ખાતે ૮૦૦ વીઘા જમીનમાં ભવ્યાતિભવ્ય, ઐતિહાસિક અને રેકોર્ડ સમા શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આવશે. તો, દેશના ચાર ક્ષેત્રોમાં આવેલા મઠના ચાર જગદ્ગુરૂ શંકરાચાર્ય પૈકી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી અને નંદેશ્વર સરસ્વતીજી સહિત ત્રણ જગદ્ગુરૂ શંકરાચાર્યજી ખાસ હાજરી આપશે. વિશ્વમાં ૧૮મી સદી બાદ સૌપ્રથમવાર યોજાનાર આ લક્ષચંડી મહાયજ્ઞના દર્શનનો લાભ દેશ-વિદેશમાંથી આશરે ૮૦ લાખથી વધુ લોકો લેશે, જે એક ઐતિહાસિક અને રેકોર્ડપૂર્ણ ઘટના રહેશે એમ અત્રે લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને આંતરરાષ્ટ્રીય ઉમિયા ફેડરેશનના ચેરમેન સી.કે.પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ પરિપૂર્ણ કરવાના શુભઆશયથી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તા.૧૮થી તા.૨૨ ડિસેમ્બર દરમ્યાન આયોજિત શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં આશરે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અને ૧૨૪ દેશોમાં ૮૦ લાખથી વધુ ભકતો-શ્રધ્ધાળુઓ પધારશે. ન ભૂતો ન ભવિષ્યતિ એવા આ લક્ષચંડી મહાયજ્ઞમાં સંસ્થાન દ્વારા ૧૦૮ યજ્ઞકુંડ તેમ જ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાનશ્રીઓ સાથે યજ્ઞની શરૂઆત માં ઉમિયાની દિવ્ય જયોતની સાક્ષીએ ઉમિયા બાગ ખાતે અવિરત ૧૬ દિવસ સુધી ૧૧૦૦ જેટલા પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતિના ૭૦૦ શ્લોકોથી એક લાખ ચંડીપાઠના દશમાં ભાગના દસ હજાર પાઠની શાસ્ત્રોકત વિધિથી આહુતિ અપાશે. લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને આંતરરાષ્ટ્રીય ઉમિયા ફેડરેશનના ચેરમેન સી.કે.પટેલે ઉમેર્યું કે, ૨૭ વીઘા જમીનમાં કુલ ૫૧ શકિતપીઠના પ્રતિક મંદિર સાથે ૮૧ ફુટ ઉઁચાઇની યજ્ઞશાળા નીચે ૩૫૦૦ વ્યકિતઓ સાથે બેસી શકે એટલા વિશાળ યજ્ઞમંડપમાં ૭૫૦૦૦ કિલો કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી, ૧૫ મેટ્રિક ટન અડાયા(છાણા), હજારો કિલો તલ, ડાંગર અને વિવિધ દિવ્ય દ્રવ્યો અને ઔષધિઓની યજ્ઞમાં હોમાનાર પવિત્ર આહુતિ સાથે ચંડીપાઠના સતત ઉચ્ચારણ અને વૈદિક મંત્રોચ્ચારથી ઐતિહાસિક અને અભૂતપૂર્વ દૈદિપ્યમાન વાતાવરણ સર્જાશે. આ માત્ર પાટીદારોનો જ લક્ષચંડી મહાયજ્ઞ નથી પરંતુ તમામ સમાજને એકસાથે સહભાગી બનવાની તક આપતો મહાયજ્ઞ છે, તેમાં તમામ સમાજના લોકોએ પણ સહભાગી બનવું જોઇએ તેવો અમારો અનુરોધ છે.

(10:08 pm IST)