Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

એસપી રિંગ રોડની અંદરના વિસ્તારો કોર્પો હદમાં ભળશે

એસજીથી એસપી રિંગરોડ સુધી ન્યુ અમદાવાદ : પશ્ચિમમાં એસપી રિંગરોડથી એસજી હાઈવેના વિસ્તારો પૂર્વમાં હાઇવે નં-૮થી રિંગરોડનો વિસ્તારો કોર્પોમાં ભળશે

અમદાવાદ,તા. ૧૧ : એસજી હાઈવેથી એસપી રિંગરોડ સુધીનો વિસ્તાર હવે ન્યુ અમદાવાદ તરીકે વિકસાવાશે. જેના માટેની સમ્પૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. દિવાળી બાદ પશ્ચિમમાં એસપી રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તાર અને પૂર્વમાં નેશનલ હાઇવે નં-૮થી એસપી રિંગ રોડ વચ્ચેનો વિસ્તારમાં આવેલી નગરપાલિકા અને ગ્રામ પંચાયતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે. પશ્ચિમમાં એસપી રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તારમાં આવતા બોપલ, ઘૂમા, શેલા, રાંચરડા, છારોડી, અસલાલીના અને એસપી રિંગરોડના અંદરના વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ પૂર્વમાં નેશનલ હાઈવે નંબર ૮થી રિંગરોડના અંદરના વિસ્તારો પણ મ્યુનિસિપલની હદમાં આવરી લેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૨૦માં આવી રહેલી બહુ મહત્વની સામાન્ય ચૂંટણી પૂર્વે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોપલ-ઘૂમાને ઔડામાં સુપરત કર્યા બાદ ઘણા સમયથી માગ હતી કે આ બંને નગરપાલિકા સહિત શેલા, રાંચરડા, છારોડી, અને અસલાલીને પણ મ્યુનિસિપલમાં સમાવિષ્ટ કરાય. આ અંગે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલની હદમાં ૨૦૦૬થી ૨૦૦૮માં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ ૧૧ વર્ષ પછી નવા ત્રણ વિસ્તારોને મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવા માટેની હિલચાલ શરૂ કરી દેવાઈ છે. જેથી દિવાળી બાદ જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. અમ્યુકો સત્તાવાળાઓના આ નિર્ણયના કારણે નવા અમદાવાદની રચનાની તૈયારીઓ ચાલી રહી છે જો કે, બીજીબાજુ, અમ્યુકોની આગામી ૨૦૨૦ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોઇ આગામી દિવસોમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે રાજકીય પ્રહારો સાથે રાજકારણ ગરમાવાય તેવી પણ પૂરી શકયતા છે.

(10:05 pm IST)