Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાંકરિયા નજીક ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત

બનાવને પગલે ચકચાર મચી

અમદાવાદ, તા.૧૧ : શહેરના મણિનગરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે આજે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવાચાલક મહિલા પ્રોફેસરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અમ્યુકોના ડમ્પર ચાલકને ઘટનાસ્થળેથી જ ઝડપી લીધો હતો. કાંકરિયા ઉજાણી ગૃહ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ડમ્પર ચાલકે કે.કે. શાસ્ત્રી કોલેજના મહિલા પ્રોફેસર આરતીબેન ઝવેરી (ઉ.વ.૩૪)ના એક્ટિવાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકની ટક્કરથી આરતીબહેન એકિટવા પરથી જોરદાર રીતે જમીન પર નીચે પટકાયા હતા અને તેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં મોતને ભેટયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અકસ્માતને પગલે મણિનગર પોલીસની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આરોપી ડમ્પરચાલકને ઝડપી લઇ તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને અકસ્માતમાં મહિલા પ્રોફેસરના મોતને લઇ અરેરાટી ફેલાઈ હતી.

(10:11 pm IST)