Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વૃષ્ટિ-શિવમ સ્વેચ્છાથી સાથે રહેવા માટે પણ માંગતા હતા

વૃષ્ટિ અને શિવમને હિમાચલ પરત લવાયા : ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર જેવી વાત કેસમાં સપાટી પર

અમદાવાદ, તા.૧૧ : નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલા ગાયબ થયેલી વૃષ્ટિ જશુભાઈ કોઠારી અને શિવમ પટેલને ક્રાઈમ બ્રાન્ચની ટીમ હિમાચલ પ્રદેશમાંથી શોધી કાઢીને આજે અમદાવાદ શહેરમાં લઈ આવી હતી. છેલ્લા દસ દિવસથી સતત શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને હિમાચલ પ્રદેશના વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા. ક્રાઇમબ્રાંચ આજે સવારે ચંદીગઢથી બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા. ક્રાઇમબ્રાંચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે વૃષ્ટિ અને શિવમને અમદાવાદ લાવ્યા બાદ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા કરી હતી કે, સમગ્ર કેસમાં એવી વાત સામે આવી છે કે, વાસ્તવમાં વૃષ્ટિ અને શિવમ સ્વેચ્છાએ સાથે રહેવા માંગતા હતા., બીજી કોઇ ગુનાહિત વાત નથી. આમ, આ સમગ્ર પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે વધુમાં જણાવ્યું હતું કે, વૃષ્ટિ અને શિવમની ભાળ માટે એક ટીમને તા.૭મીએ હિમાચલ પ્રદેશ ખાતે મોકલવામાં આવી હતી,

               સ્થાનિક પોલીસની મદદ લઇ ત્યાંના સ્થાનિક રહીશોના સહકારના કારણે વૃષ્ટિ અને શિવમ ત્યાંથી મળી આવ્યા હતા. બંને જણાં તેમની રીતે સ્વેચ્છાએ સાથે રહેવા માંગે છે, આ કેસમાં કોઇ ગુનાહિત કૃત્ય કે તત્વ સામેલ નથી. આમ આ સમગ્ર પ્રકરણમાં સુખદ અંત આવ્યો છે. વૃષ્ટિ અને શિવમ અહીંથી પહેલા દિલ્હી ગયા હતા અને ત્યાંથી બસ મારફતે હિમાચલ પ્રદેશ ગયા હતા. કોઇપણ યુવક-યુવતી ગુમ થાય તો પોલીસ હંમેશા સહકારભર્યા પ્રયાસ કરતા હોય છે. ગુમ થયેલા યુવક-યુવતીઓને શોધવામાં ૯૫ ટકા કિસ્સામાં પોલીસને સફળતા મળી છે. આ કેસમાં ડીસીપી ક્રાઇમ દિપક ભદ્રન, ડીવાયએસપી બી.વી.ગોહિલ સહિતના અધિકારીઓની ટીમે ભારે મહેનત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ એરપોર્ટથી બંનેને શહેર ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોહા અલી ખાનની ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચ્યો હતો. તેના લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે આ કેસમાં ઘણો ગૂંચવાડો ઊભો થયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે ભારે શોધખોળ બાદ પ્રકરણનો સુખદ અંત લાવવામાં સફળતા મેળવી હતી. વૃષ્ટિ અને શિવમના મામલાએ હાલમાં સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી. આ કેસને લઇને કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવશે તેમ પણ માનવામાં આવી રહ્યું હતું પરંતુ કેસ કોઇપણ રીતે હાઈપ્રોફાઇલ રહ્યો નથી.

(9:04 pm IST)