Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કર્મચારીઓને ૩૫૦૦ની મર્યાદામાં બોનસ અપાશે

રાજ્ય સરકારના વર્ગ-૪ના કર્મીઓને મોટી ભેંટ : રાજ્યના કુલ ૩૧૫૯૬ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓને સીધો લાભ થશે : પેન્શનરોને પણ દિવાળીની ભેંટ અપાઈ

અમદાવાદ,તા.૧૧ : નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓનો ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલા ચુકવી દેવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના ૫.૧૧ લાખ અધિકારી/કર્મચારીઓ ઓક્ટોબર મહિનાનો પગાર પણ આ જ મહિનામાં તા.૨૧/૨૨/૨૩ ઓક્ટોબર દરમ્યાન ચુકવવામાં આવશે તથા ૪.૫૪ લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ જ તારીખો દરમ્યાન ચુકવી દેવામાં આવશે. જેના પરિણામે આશરે ૪૦૦૦ કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે.

          રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને ૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને ૧૦.૯૧ કરોડનું વધારાનું ભારણ થશે.

          આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટાઇન એઇડ (માન્ય તાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના એકત્રીસ હજાર પાંચસો છન્નું કર્મચારીઓને લાભ મળશે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

(9:01 pm IST)