Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

માનહાનિ : રાહુલ ગાંધીનો દસ હજારના જામીન ઉપર છૂટકારો

ગુનાના સંદર્ભમાં રાહુલે ફરી ઇન્કાર કર્યો : એડીસી બેંકના બદનક્ષીના કેસમાં બે મુદતોથી ગેરહાજર રહેનાર રણદીપ સૂરજેવાલા સામે જામીનપાત્ર વોરંટ જારી

અમદાવાદ,તા.૧૧ : અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ માનહાનિ કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદના ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની ૧૬ નંબરની કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા. સુરત કોર્ટની જેમ અમદાવાદમાં પણ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને તેમની વિરૂધ્ધનો માનહાનિ અને બદનક્ષીનો ગુનો કબૂલ હોવા અંગે પૃચ્છા કરી હતી, જેના પ્રત્યુત્તરમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટના જવાબની જેમ જ ના પાડી હતી. દરમ્યાન રાહુલ ગાંધીના એડવોકેટ તરફથી આ કેસમાં તેમની જામીન અરજી રજૂ કરાઇ હતી. જેની સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીના દસ હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. દરમ્યાન રાહુલ ગાંધીએ એડીસી બેંકના બદનક્ષીના કેસમાં મેટ્રોપોલીટન કોર્ટ નંબર-૧૩માં પણ હાજરી આપી હતી. જો કે, એડીસી બેંકના આ કેસમાં છેલ્લી બે મુદતથી ગેરહાજર રહેનાર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એન.બી.મુન્શીએ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

           આ હુકમને સ્થગિત કરવાની માંગણી પણ કોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને આગેવાનો તેમ જ સંખ્યાબંધ કાર્યકરો સાથે રાહુલ ગાંધી તેમના કેસની સુનાવણી અનુસંધાનમાં આજે શહેરની ઘીકાંટા સ્થિત મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે રાહુલને પૂછ્યું કે, તમને આ કેસમાં તમારો બદનક્ષી અને માનહાનિ સંબંધી ગુનો કબૂલ છે ? ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં રાહુલ ગાંધીના વકીલ તરફથી તેમની જામીનઅરજી રજૂ કરી તેઓને જામીન પર મુકત કરવા વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે રાહુલની જામીન અરજી ગ્રાહ્ય રાખી તેમને દસ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ કેસમાં રાહુલના જામીનદાર બન્યા હતા. પ્લી રેકોર્ડની પ્રક્રિયા પૂર્ણ થતાં રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં એકઝમ્પ્શન અરજી પણ કરાઇ હતી, જેની તા.૭ ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સમયે કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.

             દરમ્યાન ૧૬ નંબરની કોર્ટ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી મેટ્રોપોલીટન કોર્ટ નંબર-૧૩માં એડીસી બેંક તરફથી તેમની વિરૂધ્ધ કરાયેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં સુનાવણી અર્થે પહોંચ્યા હતા. જયાં દસેક મિનિટની કાર્યવાહી ચાલી હતી. જો કે, આ કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલા સતત બે મુદતથી ગેરહાજર રહેતાં ફરિયાદપક્ષ તરફથી સખત વાંધો લેવાયો હતો અને સૂરજેવાલા વિરૂધ્ધ વોરંટ જારી કરવા માંગ કરાઇ હતી, જેના અનુસંધાનમાં કોર્ટે રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જો કે, કોંગ્રેસના નેતા તરફથી આ હુકમને સ્ટે કરવાની માંગણી કરાઇ હતી પરંતુ કોર્ટે સ્ટેની માંગ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે,   લોકસભાની ચૂંટણી દરમ્યાન જબલપુરમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતાં. જેથી કાલુપુર વોર્ડના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટ નંબર-૧૬ માં રાહુલ ગાંધી, સૂરજેવાલા સહિતના લોકો વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ કરીહતી. આ જ પ્રકારે એડીસી બેંકે પણ રાહુલ ગાંધી વિરૂધ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. આમ, ઉપરોકત બંને કેસની સુનાવણી અર્થે આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓની હાજરીથી મેટ્રો કોર્ટમાં ભારે ચહલપહલ વર્તાઇ હતી.

(8:59 pm IST)