Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શરદ પૂનમના બીજા દિવસે સુરત ઘારી અને ચવાણાની મજા માણશેઃ ૧૮પ૭માં ઘારીની શોધ થઇ હતી

સુરત :સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત ચર્ચિત છે. ત્યારે ચંદની પડવાનો તહેવાર સમગ્ર દેશ શરદ પૂનમ તરીકે ઉજવે છે. ત્યારે સુરતીઓ શરદ પૂનમના બીજા દિવસે એટલે કે પડવાનો દિવસને ચંદની પડવા તરીકે ઓળખે છે. ચંદની પડવાની રાત્રે સુરતીઓ કુટુંબકબીલા સાથે ઘારી અને ચવાણુંની જ્યાફ્ત કરે છે.

ઘારીનો ઈતિહાસ

સુરતની ઘારીનું નામ સાંભળીને દરેક ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય છે. માવો, મેંદો, બૂરું અને ડ્રાયફ્રુટ સુરતની ઘારીની વિશેષતા છે. આઝાદીની લડત એટલે કે 1857ના વિપ્લવ બાદ ક્રાંતિકારીઓ જંગલમાં છુપાઈને અંગ્રેજ શાસકો સામે યુદ્ધ લડતા હતા, ત્યારે દિવસો સુધી તેઓને જમવાની સાથે શક્તિ પૂરી પડી રહે તેવા એક ખોરાકની જરૂરિયાત હતી. ત્યારે ઘારીની શોધ થઈ હતી. જોકે હાલ સમયના વહાણ વિતતા સુરતીઓ માટે આ જ ઘારી મનપસંદ મીઠાઈ બની ગઈ છે.

વિવિધ ફ્લેવરની ઘારી ફેમસ

ઘારીના વિક્રેતા રોહન મીઠાઈવાળા કહે છે કે, સુરતીઓમાં કેસર પિસ્તાની ઘારી સૌથી વધુ લોકપ્રિય છે. જોકે સમય પરિવર્તનની સાથે ઘારીમાં હવે વેરાયટી આવી ગઈ છે. તેમાં વિવિધ ફ્લેવર્સ જેમ કે ડ્રાયફ્રુટ, મેંગો, સ્ટ્રોબરી, સુગર ફ્રી, કેસર કસ્તુરી સહિત જુદી જુદી 11 ફ્લેવર્સમાં ઘારી વેચાય છે.

- પીસ્તા ઘારી 680 રૂપિયે કિલો

- કેસર ઘારી 720 રૂપિયે કિલો

- માવા ઘારી 620 રૂપિયે કિલો

- સુગર ફ્રી ઘારી 840 રૂપિયે કિલો

- કૃષ્ણ કસ્તુરી ઘારી 780 રૂપિયે કિલો

- સ્ટોબેરી, મેંગો, ચોકલેટ, કુકીઝ એન્ડ ક્રીમ, પાન મસાલા ઘારી 700 રૂપિયે કિલો

ઘારીને મંદીનું ગ્રહણ લાગ્યું

એક અંદાજ મુજબ ચંદની પડવાના દિવસે સુરતીઓ 90 હજારથી 1 લાખ કિલો ઘારી ઝાપટી જાય છે, જેમાં મીઠાઈની દુકાનો ઉપરાંત જુદા જુદા સામાજિક સંગઠનો સુમુલ ડેરી, ચોર્યાસી ડેરી પણ ઘારી બનાવી વેચાણ કરે છે. જોકે આ વર્ષે ઘારીને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. એટલે ઘારીના ભાવમાં વધારો કરાયો નથી. સરેરાશ 5 થી 10 ટકા જેટલી ઘારી ઓછી બનાવવામાં આવી છે. તેની સાથે સાથે મટીરિયલ્સમાં ભાવ વધ્યા હોવા છતાં ઘારીના ભાવમાં નગણ્ય વધારો થયો છે.

(4:53 pm IST)