Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આંગણવાડી બહેનોને આપેલા સ્માર્ટ ફોન ચાલુ જ હોવા જોઇએઃ વિજયભાઇ રૂપાણીએ ફોન કરીને ખખડાવ્યા

ટેલીફોનીક વાતચીતનો ઓડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ

રાજકોટ તા. ૧૧: રાજ્ય સરકારે ગુજરાતને કુપોષણ મુકત કરવાના હેતુથી તમામ આંગણવાડી કાર્યકરને સ્માર્ટફોન આપ્યો છે. આ સ્માર્ટફોન મારફતે ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સીધો ફોન કરતા આંગણવાડી કાર્યકરનો ફોન સ્વિચ ઓફ આવ્યો, જ્યારે સીડીપીઓનો મોબાઇલ નો રિપ્લાય આવ્યો. આ બાબતનો ઓડિયો ગુરુવારે સામે આવ્યો હતો, જેથી મુખ્યમંત્રીએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાથે સીધી વાત કરીને બંનેને તાત્કાલિક ફોન પર આવીને કંટ્રોલ રૂમમાં વાત કરવા સૂચના આપી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્ટેટ ડેટા સેન્ટરનું ઉદઘાટન કરીને બાલિકા પૂજન કર્યુ હતું.

આ દરમિયાન મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી સહિત મહિલા - બાળ વિકાસ વિભાગની કામગીરી પર સીધી નજર રાખવા માટે સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. આ કંટ્રોલ રૂમમાંથી મુખ્યમંત્રીએ રાજકોટ જીલ્લાના આંગણવાડી કાર્યકર લીલાવંતીબેનને ફોન  જોડતા તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. ત્યાર પછી તેમણે ઉપરી અધિકારી સીડીપીઓ મુકતાબેનને ફોન કરતા તેમનો ફોન નો રિપ્લાય આવ્યો હતો. છેવટે મુખ્યમંત્રીએ પ્રોગ્રામ ઓફિસરોને નોકરી દરમિયાન તમામના ફોન સ્વિચ ઓન હોવા જોઇએ તેવી તાકીદ કરી નો રિપ્લાય આવનાર બંને મહિલા કર્મચારીઓને તાત્કાલીક ફોન પર  કંટ્રોલ રૂમના અધિકારી   ને ફોન કરવાની તાકીદ પ્રોગ્રામ ઓફિસરને કરી હતી.  આ વાતચિતનો ઓડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

(4:01 pm IST)