Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાહુલ ગાંધી કર્ણાવતીમાં: છ સ્થળે સ્વાગત

ધારાસભ્યો સાથે સરકીટ હાઉસ ખાતે બેઠકઃ ચૂંટણી પ્રચારની ચર્ચા

 

પૂર્વ અધ્યક્ષનું અદકેરૂ સ્વાગત :.. આજે બપોરના કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે રાજય પ્રભારી રાજીવ સાતવજી, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય શૈલેષ પરમાર, હાર્દિક પટેલ, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ વિગેરેએ આવકાર્યા ત્યારની તસ્વીર.

અમદાવાદ તા. ૧૧ :.. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બપોરે ફરીથી ગુજરાત આવી પહોંચ્યા છે. એરપોર્ટ ખાતે પ્રદેશ કોંગી નેતાઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. કોંગ્રેસની વિવિધ પાંખો દ્વારા અમદાવાદમાં અલગ - અલગ જગ્યાઓ પર રાહુલજીનું સ્વાગત કરાયુ હતું. રાહુલજીએ બપોરના પ્રદેશ નેતાઓ તથા ધારાસભ્યો સાથે બેઠક યોજી રાજયમાં પક્ષની સ્થિતી તથા પેટા ચૂંટણીની સ્થિતી અંગે સમીક્ષા કરી હતી.

કોંગ્રેસી આગેવાનો તથા વિવિધ સેલ દ્વારા કોંગી યુવરાજનું છ સ્થળોએ અદેકેરૂ સ્વાગત કરાયુ હતું.

એરપોર્ટ સર્કલ ખાતે કોંગ્રેસની  વિદ્યાર્થી પાંખ એન. એસ. યુ. આઇ. દ્વારા ભવ્ય સ્વાગત કરાયા બાદ, ડફનાળા ખાતે યુવક કોંગ્રેસે રાહુલજીને આવકાર્ય હતાં.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા પૂર્વ અધ્યક્ષને રૂપાલી સિનેમા પાસે આવકાર અપાયો હતો જયારે લકકી હોટલ તથા ઝેવિયર્સ શાળા ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાયુ હતું.

સ્વાગત બાદ રાહુલ ગાંધી સીધા કોર્ટ પહોંચ્યા હતાં. બપોરના કોંગ્રેસી નેતાઓ તથા ધારાસભ્યો સાથે તેઓ બેઠક યોજશે.

(4:00 pm IST)