Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

એએમટીએસ બસમાં ટિકિટ કૌભાંડનો અંતે પર્દાફાશ થયો

પ્રાથમિક તપાસમાં કડંકટર જ સૂત્રધાર : એએમટીએસ દ્વારા તાત્કાલિક ધોરણે કંડક્ટરને છૂટો કરી દેવાયો : ડાગા કંપનીને નોટિસ આપીને દસ હજારનો દંડ

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ) બસમાં મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લઈ અને ટિકિટ નહી આપી રૂપિયા ઘરભેગા કરવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કંડકટરે બસમાં મુસાફરી કરતા પેસેન્જરો પાસેથી પૈસા લઈ ટિકિટ આપી ન હતી. એએમટીએસની ફ્લાઈંગ સ્ક્વોડના અચાનક ચેકીંગ દરમ્યાન સમગ્ર હકીકત સામે આવતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

એએમટીએસ સત્તાવાળાઓ દ્વારા હાલમાં કંડક્ટર સામે કાયદાનુસાર અને નિયમો મુજબ, કાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી કરોડો રૂપિયાની ખોટ કરતી એએમટીએસ બસના જ કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લઈ ટિકિટ નહીં આપી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બસમાં વગર ટિકિટ મુસાફરી કરતા લોકોને પકડવા કાર્યરત એએમટીએસની ફલાઈંગ સ્ક્વોડની ટીમે આજે વહેલી સવારે સાયન્સ સીટી પાસેથી પસાર થતી કાલુપુરથી અરવિંદ પોલિકોટ ખાત્રજ રૂટની બસને અટકાવી ચેકિંગ કર્યું હતું. કાલુપુરથી અરવિંદ પોલિકોટ ખાત્રજ રૂટની બસમાં મુસાફરી કરી રહેલાં ૪૦ જેટલા મુસાફર પાસે ટિકિટ જ ન હતી. મુસાફરોને પૂછતાં કંડક્ટરે ટિકિટના પૈસા લઈ લીધા હતા પરંતુ તેમને ટિકિટ આપી ન હતી. આ મામલે હાલ સારંગપુર ડેપોમાં બસ લઈ જઈ અને કંડક્ટર સામે કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે. એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા કંડક્ટરને છૂટો કરી દેવામાં આવ્યો છે. તો, દાગા કંપનીને આ મામલે નોટિસ આપી ૧૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઝડપાયેલો કંડક્ટર હવે એએમટીએસના કોન્ટ્રાક્ટની ત્રણ કંપનીમાંથી એકય કંપનીમાં નોકરી નહીં કરી શકે. જો કે, આ બનાવને પગલે અમ્યુકો વર્તુળમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:56 pm IST)