Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગુજરાત સરકારના ૬ાા લાખ નોકરીયાતોને ચાલુ મહિને પગાર વહેલો મળવાની શકયતા

દિવાળીને અનુલક્ષીને કર્મચારી સંગઠનની રજૂઆત અંગે સરકારની હકારાત્મક વિચારણા

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ચાલુ મહિનાનો પગાર દિવાળીના તહેવારોને અનુલક્ષીને વહેલો મળે તેવી પ્રબળ સંભાવના છે. કર્મચારી સંગઠનોએ આ અંગે કરેલી રજૂઆતને સરકારે હકારાત્મક રીતે લઈ તે દિશામાં વિચારણા શરૂ કર્યાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને તાજેતરમાં ૫ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળ્યો તે રીતે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ લાભ આપવા માટે સરકાર સુધી રજૂઆતો પહોંચી છે.

રાજ્યમાં વર્ગ ૧ થી ૪ના નોકરીયાતો તેમજ સરકારનું અનુદાન મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓની સંખ્યા ૬ાા લાખ જેટલી થાય છે. રાજ્ય સરકારના કર્મચારીની વ્યાખ્યામાં આવતા બધા નોકરીયાતોને સામાન્ય રીતે તા. ૧ થી ૩ સુધીમાં વિતેલા મહિનાનો પગાર મળે છે. આ વખતે દિવાળી તા. ૨૭ ઓકટોબરે છે. તા. ૨૬મીએ ચોથા શનિવારની રજા છે. કર્મચારી સંગઠનોએ તહેવારોને ધ્યાને રાખી પગાર વહેલો આપવા રજૂઆત કરી છે. છેલ્લા ૧૦ વર્ષમાં જ્યારે દિવાળી મહિનાના આખરી દિવસોમાં આવતી હોય ત્યારે પગાર વહેલો અપાયાના દાખલા છે. આ બાબતને ધ્યાને રાખીને સરકાર આ વખતે પણ તા. ૨૦ થી ૨૫ વચ્ચે કર્મચારીઓને તેનો મળવા પાત્ર પગાર ખાતામાં જમા થઈ જાય તે દિશામાં હકારાત્મક રીતે વિચારી રહી છે. કર્મચારીઓની લાગણી ધ્યાને લેવાય તેવી મજબુત શકયતા છે. નોકરીયાતોની જેમ પ્રણાલીકા મુજબ પેન્શનર્સને પણ પેન્શન વહેલુ મળવાનો લાભ મળવા પાત્ર થશે. સરકાર આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરે તેવા નિર્દેશ છે. કર્મચારીઓનો પગાર વહેલો થઈ જાય તો દિવાળી પૂર્વેના દિવસોમાં બજારમા ખરીદીનો ધમધમાટ વધશે.

(3:07 pm IST)