Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સ્પેનના બનાવટી પાસપોર્ટનું પગેરૂ ચેન્નઈ સુધી પહોંચ્યું: ખાસ ટીમ ચેન્નઈ જવા રવાના

આંતરરાજ્ય બનાવટી પાસપોર્ટના કૌભાંડીઓનું નેટવર્ક ઈન્ટરનેશનલ લેવલ સુધી હોવાનુ અનુપમસિંહ ગેહલોત ટીમની તપાસમાં ખુલ્યું : આરોપીઓ સ્પેન જતા અગાઉ ઈસ્ટોનિયા શા માટે જવાના હતા ? તેનુ રહસ્ય ખોલતી વડોદરા પોલીસ

રાજકોટ, તા. ૧૧ :. વડોદરા એસ.ઓ.જી. ટીમ દ્વારા આંતરરાજ્ય કક્ષાનું સ્પેનના પાસપોર્ટનું જબરૂ કૌભાંડ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન અને તેની સીધી રાહ દોરવણી હેઠળ પકડી પાડી ૮ આરોપીઓને ઝડપી લઈ તેની પૂછપરછમાં રોજ નવા ધડાકા જેવી વિગતો બહાર આવી રહી છે. ઈન્ટરનેશનલ કક્ષાના સ્પેનના લાખો રૂપિયા લઈ બોગસ પાસપોર્ટો તૈયાર કરવા ચેન્નઈ સુધી ગયાનું ખુલતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે એક વિશેષ ટીમ ચેન્નઈ મોકલવામાં આવી છે.

એસઓજીના હેડ કોન્સ. રોહીતકુમાર રામભાઈને તથા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને પોતાના બાતમીદારો મારફત મળેલી માહિતી આધારે વડોદરાના કાળા ઘોડા સર્કલ પાસેથી શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા હતા. રીમાન્ડ દરમિયાન આરોપી પૈકીની ઘણા આ કામના માહિર હોવાનુ પણ ખુલવા પામેલ છે. વડોદરાનો એક પણ આરોપી ન હોવા છતા વડોદરાના એક ટ્રાવેલ્સની ઓફિસમાં કાવત્રાની મીટીંગ શા માટે રાખવામાં આવેલ ? તે બાબતે પણ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આ ટોળકી પાસેથી સ્પેનના ૫ અને ભારતના ૧૭ પાસપોર્ટ મળવા સાથે હિતેશભાઈ ભરતભાઈ પટેલ પાસેથી રીપબ્લીક ઓફ ઈસ્ટોનીયાનું ઓળખપત્ર મળતા જ પોલીસ કમિશ્નર સમજી ગયેલ કે આરોપીઓ સ્પેન જતા અગાઉ ઈસ્ટોનિયા શા માટે જવાના હતા ? પકડાયેલ આરોપીઓમાં દેવેન નાયક (અમદાવાદ), કિર્તી ચૌધરી (વિસનગર), હિતેશભાઈ પટેલ (મહેસાણા), રાકેશ પ્રજાપતિ (ખેરાલુ), પ્રિયાંક પટેલ (વિજાપુર), પાર્થ પટેલ (જોટાણા), અલ્પેશકુમાર પટેલ (માણસા) તથા નિલેશ પંડયા (અમદાવાદ)નો  સમાવેશ  છે.

(12:47 pm IST)