Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભાજપને સત્તા પચતી નથી, તેથી બદલાની ભાવનાથી કામ કરે છેઃ કોંગી દિગ્ગજ અહેમદભાઈ આકરા પાણીએ

રાહુલ ગાંધીના હરિયાણા- પંજાબમાં ભરચકક કાર્યક્રમોઃ સુરતમાં ભવ્ય સ્વાગતઃ અમિત ચાવડા સહિતના નેતાઓની જહેમત

સુરત,તા.૧૦: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યા હોવાથી કોંગ્રસેના પીઢ નેતા અહમદભાઈ પટેલ પણ ખાસ સુરત ખાતે હાજર રહ્યા હતા. આ તબકકે પત્રકારો સાથે વાતચીત કરતાં સાંસદ અહમદભાઈએ જણાવ્યું હતું કે, ભાજપને સત્તા હજમ થતી નથી તેઓ બદલાની ભાવનાથી કામ કરી રહ્યા છે. અહમદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શ્રી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના અનેક કાર્યક્રમો નકકી કરવામાં આવ્યા છે. અહમદભાઈએ રાહુલ ગાંધીના કેસ અંગે વધુમાં જણાવ્યું હતું કે, 'તેમનો સમન્સ પાઠવવામાં આવ્યું હોવાથી તેઓ સુરત આવ્યા છે. કાયદાને તેનું કામ કરવા દો. કોર્ટ કયારે પોતાનો ચુકાદો આપશે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. જજ જે પણ કહેશે તેનો પૂર્ણ અમલ કરવામાં આવશે.'

રાહુલ ગાંધીની ટૂંકી સુરત યાત્રા દરમિયાન કાર્યકરોના ઉત્સાહમાં નવા પ્રાણ ફૂંકાય તે માટે ગુજરાતના અહમદભાઈની સૂચનાથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ત્રણ દિવસથી સુરતમાં ધામા નાખ્યા હતા અને તબકકાવાર કેડર સાથે બેઠક યોજીને રાહુલ ગાંધીની મુલાકાતને સફળ બનાવવા અથાગ પ્રયાસ કર્યા હતા. જેના ભાગરૂપે મોડીરાત્રે કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટથી લઈને કોર્ટ સંકૂલ સુધી કોંગ્રેસના ઝંડા તેમજ રાહુલ ગાંધીના હોર્ડિંગ્સ લગાડયા હતા. જેને પગલે દાયકાઓ  પછી સુરતમાં કોંગ્રેસ પાર્ટી જીવંત હોય તેવો માહોલ રચાયો હતો.

મુખ્ય માર્ગ પર કોંગ્રેસના ઝંડા અને હોર્ડિંગ્સ લાગ્યા હોવાથી મોટાભાગના લોકોએ કોંગ્રેસને પુનઃ સત્તામાં લાવવા માટે મનોમન સંકલ્પ લીધા હતા. કોંગ્રેસીઓની મહેનત જોઈને રાહુલ ગાંધીએ દરેક પોઈન્ટ પર વાહન અટકાવીને તમામને આવકાર્યા હતા અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી. જેને લીધે કોંગ્રેસીઓમાં નવો જોશ જોવા મળ્યો હતો.

(11:37 am IST)