Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગોતા : થીનરના ગોડાઉનમાં ફાટી નિકળેલી ભીષણ આગ

ત્રણ લાખ લીટર પાણીનો ઉપયોગ કરવો પડયોઃ ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો : આગની દુર્ઘટનામાં ઇજા કે જાનહાનિ નહી

અમદાવાદ, તા.૧૧: એસ.જી હાઇવેથી નજીક ગોતા વિસ્તારમાં થીનરના એક ગોડાઉનમાં આજે બપોરે ભયંકર આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાઇ ગયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશમાં નજરે પડતા હતા, જે એસજી હાઇવે પરથી પણ દ્રશ્યમાન થતા હતા, જેને જોઇ લોકોને આગની ભયાનકતા ખબર પડી જતી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ફાયરબ્રિગેડ જવાનોને ૧૮થી ૨૦ ફાયર ટેન્કરની મદદની સાથે ૪૦૦ લિટર ફુમનો વપરાશ અને અઢીથી ત્રણ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવો પડયો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડ તંત્રએ ભીષણ આગ કાબૂમાં લઇ લીધી હતી અને આ આગને એસ્ટેટમાં અન્ય દુકાનો કે ગોડાઉન સુધી પહોંચતી અટકાવવામાં સફળતા મેળવાઇ હતી. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગીચ અને સાંકડી જગ્યા હોવાછતાં સમયસર આગ પર કાબૂ મેળવી સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. રાહતની વાત એ હતી કે, આગની આ દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. જો કે, આગના કારણે ગોડાઉનનું સ્ટ્ર્કચર ભારે જર્જિરત થઇ ગયું હતુ, જેથી અમ્યુકો તંત્રને પણ તેની જાણ કરાઇ હતી. આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના એસ.જી. હાઇવે પર ગોતા-ચાંદલોડિયા બ્રીજની નીચે વી.કે.એસ્ટેટમાં ડાભી અશોકભાઇ લક્ષ્મણભાઇનું થીનરનું મોટું ગોડાઉન આવેલું છે, જેમાં આજે બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, થીનરનો જથ્થો ગોડાઉનમાં હોવાથી આગ જલ્દી પકડાઇ હતી અને ઝડપથી પ્રસરી ગઇ હતી અને થોડીવારમાં તો આગની વિકરાળતા ચોતરફ ફેલાઇ ગઇ હતી. આગની દુર્ઘટનાની જાણ થતાં જ ૧૮થી ૨૦ ફાયર ટેન્કરો સાથે ફયબ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક અહીં દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ભારે જહેમત બાદ ૪૦૦ લિટર ફુમનો વપરાશ અને અઢીથી ત્રણ લાખ લિટર પાણીનો ઉપયોગ કરી આખરે આગને કાબૂમાં લઇ લેવાઇ હતી. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ ખૂબ મહેનત અને સમયસૂચકતા વાપરી આગને આસપાસના ગોડાઉનો અને દુકાનો સુધી પહોંચવા દીધી ન હતી, તેના લીધે મોટી જાનહાનિ ટળી ગઇ હતી. વી.કે.એસ્ટેટનો માલિક ઇશ્વરભાઇ દોલતરામ દાણી હોવાનું માલૂમ પડયું છે. ગોડાઉન આગમાં ઓછી સાંકડી જગ્યામાં વધુ પડતો માલનો ભરાવો કરાયો હોવાની વાત પણ સામે આવી હતી, તેથી તંત્રએ તે મામલે પણ તપાસ હાથ ધરી છે. જો કે, આગની આ દુર્ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ છવાઇ ગયો હતો. સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:34 pm IST)