Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-ર૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ત્રિદિવસીય સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ માર્ગદર્શન આપશે : આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે: વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફીક ડીવીડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો.

ઉત્સાહ અને તરવરાટથી છલકતા યુવા સ્ટાર્ટઅપ્સને તેમણે આહવાન કર્યુ કે સમગ્ર વિશ્વમાં કોઇને કોઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નવોન્મેષી યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવાનું નેતૃત્વ આ યુવાશકિત લે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે. એટલું જ નહી, લોકોની ડે-ટૂ-ડે ચેલેન્જીસના ઉપાયો માટે પણ આ ઇવેન્ટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના અર્થતંત્રમાં નવોન્મેષી સ્ટાર્ટઅપની અહેમિયત ધ્યાને રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૬માં ત્રણ વિષયો પર ફોકસ કરીને સ્ટાર્ટઅપ ઇનીશ્યેટીવ્સનો પ્રારંભ કરાવ્યો છે તેની ભૂમિકા આપી હતી.

સિમ્પલીફીકેશન એન્ડ હેન્ડ હોલ્ડીંગ, ફંડીંગ સપોર્ટ એન્ડ ઇન્સેટીવ્ઝ તેમજ ઇન્ડસ્ટ્રી  એકેડેમીયા પાર્ટનરશીપ એન્ડ ઇન્કયુબેશનના આ ફોકસ સેકટરને પરિણામે ભારતમાં યુવા સ્ટાર્ટઅપ માટે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાના અવસર મળ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણી પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીના ઉપયોગથી પરિવર્તન અને બદલાવ લાવવામાં સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ બની રહેશે.

યુવાશકિતને જોબ સીકર થી જોબ ગીવર બનાવવાની ક્ષમતા આમાં રહેલી છે એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે ભારતમાં આજે અંદાજે ર૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે પ૦ બિલીયન યુ.એસ.ડોલરની કુલ માર્કેટ વેલ્યુનું સર્જન કર્યુ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે ૧૮૪ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે તેની વિગતો આપતાં ર૦ર૧ સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની ૬૦ થી વધુ યુનિવર્સિટી, ૧ હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઓને પોલિસીનો લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

તેમણે પ્રધાનમંત્રીશ્રીના મેઇક ઇન ઇન્ડીયા અને સ્ટાર્ટઅપ ઇન્ડીયાને વધુ વ્યાપક ફલક આવી સમિટના માધ્યમથી મળી રહ્યું છે તેનો આનંદ વ્યકત કરી આયોજકોને બિરદાવ્યા હતા.

આ સમીટમાં ખાસ ઉપસ્થિત રહેલાં મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ કેનેડાના કોન્સ્યુલ અને ટ્રેડ કમિશનર શ્રી કેડ હેન્સલરે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ માટે આ સમીટ શ્રેષ્ઠ તકો પૂરી પાડશે. તેમણે આ સમીટને ઉભરતા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ માટે શ્રેષ્ઠ તક સમાજ ગણાવી કેનેડા અને ગુજરાત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવ્યા હતા.

નાસ્કોમના પ્રેસિડેન્ટ સુશ્રી દેબજાની ઘોષે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને શ્રેષ્ઠ પ્રદાન કરવાની તકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓમાં વેપાર સુઝ જન્મજાત હોય છે, વેપાર-ધંધા ગુજરાતીઓના ડીએનએમાં વણાયેલાં છે ત્યારે સ્ટાર્ટઅપ સાથેના ઇનોવેશન અને નવા આઇડિયા સાથેની ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહેશે. આજે દેશને આઇટી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી પ્રતિભાઓની તલાશ છે ત્યારે ગુજરાત આ ક્ષેત્રે શ્રેષ્ઠ તકને ઝડપી લઇ ન્યુ ટેલેન્ટના નિર્માણ માટે ગુજરાત દેશભરનું હબ બને તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ટેક મહિન્દ્રાના સીઇઓ અને એમડી શ્રી સી.પી.ગુરનાનીએ ગુજરાતની શક્તિને પીછાણવાની જરૂર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ એવું રાજ્ય છે જે દેશની માત્ર પાંચ ટકા વસતી ધરાવે છે પરંતુ રાષ્ટ્રની કુલ નિકાસમાં ૨૨ ટકા હિસ્સો ધરાવે છે. આવનારા સમયમાં ગુજરાત દેશનું નવું સ્ટાર્ટઅપ કેપિટલ બનવા સમર્થ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. 

રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સાથેની ઇકો સિસ્ટમ માટે આ સમીટ અતિ મહત્વની બની રહેશે. તેમણે આ સમીટ યુવા ઉદ્યોગો સાહસિકો, નવા આઇડિયા અને અન્વેષણો માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહેશે તેવું દ્રઢપણે જણાવ્યું હતું. યુવા પ્રતિભાઓ માટે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી અને નેક્સ્ટ જનરેશન આઇડિયા સાથે ઇનોવેટીવ સોલ્યુશન દ્વારા કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રે વિકાસના નવા જ પરિણામો હાંસલ કરવાની શ્રેષ્ઠ તક હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે ત્રણ કરોડ રૂપિયાના પુરસ્કારો જાહેર કર્યાનું જણાવતા મુખ્યસચિવશ્રીએ માહિતી આપી હતી કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રે આ માટે જે અરજીઓ મળી છે તેમાંથી બે ત્રૃતિયાંશ અરજીઓ એકલા ગુજરાતમાંથી આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આઇટી ક્ષેત્રના રાષ્ટ્રના કુલ વિકાસમાં ગુજરાત દસ ટકાથી પણ વધારે યોગદાન આપવા સક્ષમ છે અને આ સમીટ આ દિશામાંનું નક્કર કદમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે યશ બેન્ક અને જીઆઇડીસી ગુજરાત સરકાર વચ્ચે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ સંપન્ન થયા હતા તથા મહાનુભાવોના હસ્તે આઇપી બુક, ‘સ્ટાર્ટઅપ ગુજરાત’ અને ‘અગ્રીમ ગુજરાતી’ કોફીટેબલ બુકનું વિમોચન અને સ્વીસ બેઇઝડ ટેકનોલોજી ગ્રુપ દ્વારા  તૈયાર કરાયેલ ઇન્ડો સ્વીસ બ્લોક ચેઇનનું લોન્ચીંગ પણ કરાયું હતું.

આ પ્રસંગે ગેઝીયા આઇટી એસોસીએશનના શ્રી વિવેક ઓગ્રા, મુંબઇ સ્થિત સ્વીડનના કાઉન્સિલ જનરલ ઉલ્લરીકા સન્ડબર્ગ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સિચવ શ્રી એમ.કે.દાસ, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને એમડી શ્રી ડી.થારા, ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા સહિત ઉદ્યોગ ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, દેશભરના ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન ઇ-મિત્ર રોબોટ દ્વારા કરાયું હતું અને આભારવિધિ ફિક્કીના ચેરમેન શ્રી રાજીવ વસ્તુપાલે કરી હતી.

 

(3:42 pm IST)
  • સબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST

  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST