Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સરકાર તા. ૧૬મીથી અઢી માસ સુધી ટેકાના ભાવે ડાંગર, બાજરી, મકાઈ ખરીદશે

ખેત ઉપજના વેચાણના નાણા ખેડૂતોના ખાતામાં જમા થશેઃ જયેશ રાદડિયા

ગાંધીનગર, તા. ૧૧ :. ખુલ્લા બજારમાં ભાવો નીચા જાય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન ન જાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે ટેકાના ભાવે રાજ્યના ડાંગર, બાજરી તથા મકાઈ પકાવતા ખેડૂતો પાસેથી આ ઉત્પાદનો ખરીદવાનું નક્કી કર્યુ છે. ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯ માટે વધારા સાથે ટેકાના ભાવો જાહેર કર્યા છે. જેનો સીધો લાભ ખેડૂતોએ મળી રહે તે માટે આગામી તા. ૧૬-૧૦ થી તા. ૩૧-૧૨ સુધી આ પોકાની ટેકાના ભાવે ખરીદી થશે. અઢી માસ સુધી આ ખરીદી થનાર છે જેનો લાભ હજારો ખેડૂતોને થશે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા રાજ્યભરમાં કુલ ૧૮૮ કેન્દ્રો પરથી આ ખરીદી થનાર છે, ત્યારે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે આ ખરીદી કરવાનું આયોજન નિગમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેમ નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા જણાવે છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં ડાંગરના ટેકાના ભાવ રૂ. ૧૫૫૦ પ્રતિ કિવન્ટલ હતા જે ભારત સરકારે વધારીને રૂ. ૧૭૫૦ કરેલ છે. બાજરીના ગત વર્ષે ટેકાના ભાવ રૂ. ૧૪૨૫ પ્રતિ કિવન્ટલ હતા જે સરકારે વધારીને રૂ. ૧૯૫૦ પ્રતિ કિવન્ટલ કર્યા છે તથા મકાઈના ભાવ જે રૂ. ૧૪૨૫ પ્રતિ કિવન્ટલ હતા જે ચાલુ વર્ષે રૂ. ૧૭૦૦ પ્રતિ કિવન્ટલ કરેલ છે. જેનાથી ખેડૂતોને પ્રતિ કિવન્ટલ દીઠ ડાંગરમાં રૂ. ૨૦૦નો વધારો, બાજરી માટે પ્રતિ કિવન્ટલ દીઠ રૂ. ૫૨૫ નો વધારો તથા મકાઈ માટે પ્રતિ કિવન્ટલ દીઠ રૂ. ૨૭૫ જેવો વધારો મળનાર છે. ખેડૂતોના પોતાના પાક વેચાણના નાણા બેંક ખાતામાં જ સીધા જમા આપવામાં આવશે.(૨-૧)

(11:51 am IST)