Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પરપ્રાંતીય મામલે અલ્પેશ ઠાકોર સામે કેસ કરવા મુદ્દે ભાજપ સરકારમાં દ્વિધા

ધરપકડ બાદના રાજકીય નફા-નુકસાનની ચાલતી ગણતરી : અલ્પેશના આજે સદ્ભાવના ઉપવાસ

અમદાવાદ તા. ૧૧ : કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો વિશે કરેલાં ઉશ્કેરણીજનક નિવેદનોના વીડિયો અને તે પછીની ઘટનાઓ અંગે ભાજપ સરકાર અલ્પેશ ઠાકોરને જવાબદાર ગણાવી રહી છે પણ તેમની સામે સીધો કેસ કરવો કે નહીં તે અંગે સરકારના મોવડીઓ ભારે દ્વિધામાં છે. કેસ કર્યા પછી ધરપકડના સંજોગોમાં રાજકીય લાભાલાભની ગણતરીઓ મૂકાઇ રહી છે. અલ્પેશની ધરપકડ કરવાથી તે ભાજપ સામે મજબૂત નેતા બનીને ઉભરે તો નવો પડકાર ઉભો થાય અથવા તેમનો ઓબીસીમાં મોટો વર્ગ ગણાતો ઠાકોર સમાજ નારાજ થાય તો લોકસભા ચૂંટણીમાં અસર અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

ગુરુવારે અલ્પેશ ઠાકોરે સદ્દભાવના ઉપવાસ કરનાર છે ત્યારે તેમની સામે કેવો વ્યૂહ અંગે સરકારના મોવડીઓ નિર્ણય લઇ શકયા નથી. અલ્પેશના રોજગારી માટે બહારના રાજયોના અન્ય લોકો અહીંયા આવે છે અને ગુનો કરીને ફરાર થઇ જાય છે સહિતના જે ભાષણોના વીડિયોના આધારે કેસ કરવો કે નહીં તે અંગે કાનૂની અભિપ્રાય પણ લીધો છે.

જેમાં શકય એટલા નક્કર પુરાવા મેળવ્યા પછી જ કેસ કરવા સલાહ અપાઇ છે. અગાઉ જેવી રીતે પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ કરાયા બાદ વધુ સમર્થન મળ્યું તેવુ અલ્પેશના કિસ્સામાં થાય તો ભાજપ સરકાર સામે વધુ એક મોટો પડકાર ઉભો થાય તેમ છે. અલ્પેશની ધરપકડ કરાય તો તેમના સમાજમાં તેના કેવા પ્રત્યાઘાત પડે તેનો અંદાજ પણ મેળવાઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે ઓબીસીની મોટી વોટ બેંકની નારાજગી ઉભી થાય તે પોસાય તેમ નથી. વાઇબ્રન્ટ સમિટ પહેલા રાજયમાં વધુ અશાંતિજનક પરિસ્થિતિ ઉભી થાય તો સરકારની નામોશી પણ થઇ શકે છે.

પરપ્રાંતીયોના મુદ્દે આઇબીના અહેવાલની ઉપેક્ષા કરાઇ?

હિંમતનગરના ગામમાં બાળકી સાથે દુષ્કર્મમાં અન્ય રાજયના આરોપીનું નામ બહાર આવ્યા બાદ જે રીતે પરપ્રાંતીયો સામે સ્થાનિક સ્તરે રોષ શરૂ થયો તે બાબત વધુ વકરી શકે છે તેવો અહેવાલ આઇબી દ્વારા સરકારના મોવડીઓને પહોંચાડાયો હતો તેમ છતાં તેમાં શરૂઆતમાં કોઇ ગંભીરતા દાખવાઇ ન હતી તેવી ચર્ચા સચિવાલયમાં શરૂ થઇ છે. જો સરકારે પહેલાથી પગલાં લીધા હોત તો સમયસર તમામ સ્થિતિ થાળે પડી ગઈ હોત.

(10:34 am IST)