Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પેપર લીકના મામલે મોટા માથાને બચાવી લેવાયા છે

ફરિયાદ છતાં ઉદાસીનતા દર્શાવવામાં આવી હતીઃ રાજ્યવ્યાપી કૌભાંડમાં સરકાર તટસ્થ તપાસ કેમ કરાવતી નથી : કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા વેધક પ્રશ્ન કરાયો

અમદાવાદ,તા.૧૦: માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા તા. ૨૯.૦૭.૨૦૧૮ના રોજ સમગ્ર રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પરીક્ષાનું આયોજન કરતાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને તા. ૦૮.૦૮.૨૦૧૮ના રોજ પત્ર લખી તટસ્થ તપાસ માટે માંગણી હતી. રાજ્યના હજારો યુવાન-યુવતીઓ કે જેમને ટાટની પરીક્ષા આપી હતી તેઓએ વારંવાર રાજ્ય પરીક્ષા બોર્ડમાં અને શિક્ષણ વિભાગમાં વ્યાપક પણે ગેરરીતી અંગે રજુઆત કરી જેના પરીણામે ૭૦ દિવસ પછી અરવલ્લી પોલીસે તપાસ કરીને પેપર ફુટી ગયાનું સંપૂર્ણ સત્ય જણાતા એફઆઈઆર નોંધીને ગુન્હોં દાખલ કરેલ છે. પરિણામે, ટાટની પરીક્ષા રદ્દ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડી છે. માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાના પેપર લીકની ઘટનાથી મહેનત કરીને શિક્ષણ તરીકે પ્રમાણિક પ્રયત્નોથી કારકિર્દી ઘડવા માંગતા હજારો યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ટેટ-ટાટની પરીક્ષામાં ગેરરીતી અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે. જે ઘણી જ ગંભીર બાબત છે અનેક યુવાન-યુવતી કે જેઓ પરીક્ષા આપેલ છે તેઓએ પેપર લીક પાછળ લાખો રૃપિયાના નાણાકીય વ્યવહારની ફરિયાદો કરી છે. ટાટની પરીક્ષાનું પેપર ૫ લાખથી ૮ લાખમાં વેચાયાની અનેક જગ્યાએથી મોબાઈલ નંબર સાથે ડીટેઈલ ફરિયાદ છતાં હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી. વર્ષ ૨૦૧૪માં ૧૫૦૦ તલાટીની ભરતીમાં કરોડો રૃપિયાનું કૌભાંડ થયું હતું અને વ્યાપક ફરિયાદ બાદ ૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ ભાજપ સરકારને ના છૂટકે ભરતી રદ્દ કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં છેલ્લા ૧૦ વર્ષમાં મોટા પાયે આર્થિક વ્યવહારથી ભરતીમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે.

(10:00 pm IST)