Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજ્યમાં ત્રણ અકસ્માતમાં એકનું મોત : ૮ જણા ઘાયલ

મહુવામાં થયેલા અકસ્માતમાં યુવકનું મોત : અમદાવાદમાં સવારે દારૂના નશામાં કાર ચલાવતા દુર્ઘટના

અમદાવાદ,તા.૧૧ : શુક્રવારે બપોર સુધીમાં રાજ્યમાં અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવો નોંધાયા છે. જેમાં મહુવા ખાતે થયેલા અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. યુવકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. બીજા બે બનાવમાં કાર ચાલકોએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત નડ્યો હતો. બનાવ પંચમહાલ અને અમદાવાદ ખાતે થયા હતા. જેમાં અમદાવાદના બનવામાં કારમાં સવાર યુવકો દારૂના નશામાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પંચમહાલ ખાતે અકસ્માતને ભેટેલા યુવકો અજમેરથી પરત આવી રહ્યા હતા. આમ ત્રણ અલગ અલગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે અને આઠ લોકોને ઈજા પહોંચી છે. ગુરુવારે રાત્રે શહેરના એરપોર્ટ રોડ પર એક કારને અકસ્માત નડ્યો છે. ચાર મિત્રોને ગાંધીનગર ખાતે જન્મ દિવસની ઉજવણી કરીને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત થયો હતો.

          ઈજાગ્રસ્ત ચારેય મિત્રોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચારેય મિત્રો દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારાણપુરા ખાતે રહેતા ચાર મિત્રો ગાંધીનગર ખાતે જન્મ દિવસની ઉજવણી કરવા માટે ગયા હતા. જ્યાંથી ચારેય મિત્રો ઉજવણી બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને એરપોર્ટ રોડ પર અકસ્માત નડ્યો હતો. ચાલક અંકિત શાહે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. મળતી માહિતી પ્રમાણે અંકિત શાહનો જન્મ દિવસ હતો. મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ચારેય ઈજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર પલટી જતાં ચાર લોકોને ગંભીર ઈજાઃ પંચમહાલ જિલ્લામાં બનેલા એક અકસ્માતમાં એક કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. બનાવમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

         મળતી માહિતી પ્રમાણે શહેરા તાલુકાના વાંટા વછોડા પાટિયા ખાતે કાર પલટી ગઈ હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી અને પલટી ગઈ હતી. મળતી માહિતા પ્રમાણે નસવાડી ખાતે રહેતા ચાર વ્યક્તિ કારમાં સવાર થઈને અજમેરથી પરત આવી રહ્યા હતા. કારમાં સવાર ચારેય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર માટે ગોધરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહુવાના તળાજા હાઇવે પર ભાદ્દોડ ગામ નજીક થયેલા અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અહીં એક ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે બાઇક ચાલક લોયંગા ગામેથી મહુવા તરફ કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન ભાદ્દોડ ગામ નજીક ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. બનાવનમાં ૨૦ વર્ષીય સિરાજભાઈ રસુલભાઈ શેખનું મોત થયું છે. બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(7:47 pm IST)