Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

૧ થી ૬ રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા કોઇપણ વ્યકિત 'હોમ સ્ટે' તરીકે પોતાના આવાસો આપી શકશે

'ગુજરાત હોમ સ્ટે પોલીસી ૨૦૧૪-૧૯' ને વધુ સરળ બનાવવાનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો મહત્વપૂર્ણ અભિગમ : વિદેશના પ્રવાસી મહેમાનો માટે હોમ સ્ટે ફાળવનારને મળશે વિશેષ સુવિધારૂપેે પોપર્ટી ટેકસ અને વિજળીમાં રાહત : ગ્રામીણ રોજગારી સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો સર્જાવાનો આશાવાદ

ગાંધીનગર તા. ૧૧ : ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતને વર્લ્ડ ટુરીઝમ મેપ પર ચમકાવવાના પ્રયાસરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ 'ગુજરાત હોમ સ્ટે પોલીસી ૨૦૧૪-૧૯ ને વધુ સરળ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ગાંધીનગર ખાતે વિજયભાઇની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નવી હેરીટેઝ ટુરીઝમ પોલીસીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતનું ગ્રામિણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજયોના પ્રવાસીઓને પોષાય તેવા દરે સ્વચ્છ સુવિધાયુકત આવાસો મળી રહે તે માટે હોમ સ્ટે પોલીસી બનાવવામાં આવી છે.

૧ થી ૬ રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા કોઇપણ વ્યકિત આવા હોમ સ્ટે તરીકે પોતાના આવાસો આપી શકશે. સામે તેઓને પ્રોપર્ટી ટેકસ અને ઘરેલુ વિજળી દરમાં લાભ અપાશે. ઉપરાંત સોલાર રૂફ ટોપ યોજનામાં સૌર ઉર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહીત કરાશે. આવા વિશેષ લાભ હોમ સ્ટે ફાળવનારને મળશે. ગુજરાતભરમાં આમ તો આવા ૧૦૦ હોમ સ્ટે કાર્યરત છે. તેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે. જેનાથી ગ્રામીણ રોજગારીની સાથે ટુરીઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ઉભી થશે. સામે પ્રવાસીઓને પણ આરામદાયક સુવિધા મળવાથી તેઓ પણ ખુશ થશે અને ગુજરાતના પ્રવાસ માટે પ્રેરીત થશે. તેવો આશાવાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો છે.

(3:20 pm IST)