Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ટ્રાફિકનું નિયમન કરાવતી પોલીસને પણ ટ્રાફિકના નિયમો પાળવા DGPનો આદેશ

પ્રજા પાસે ટ્રાફિક નિયમનની આશા રાખતી પોલીસ જ બેફામ રીતે ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરતી હોય તેવા અનેક વીડિયો લોકો દ્વારા સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યાં

અમદાવાદ, તા.૧૧: મોટર વ્હીકલ એકટમાં સુધારા બાદ ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોલીસ કર્મીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. જેને ધ્યાનમાં રાખીને ડીજીપી દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે આદેશ કર્યા છે.મોટર વ્હીકલ એકટમાં સુધારા બાદ ટ્રાફિક નિયમનના ભંગ બદલ જે રીતે જંગી દંડની રકમ વસુલવાની જાહેરાત થતાં જ કયાંકને કયાંક વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, પ્રજા પાસે ટ્રાફિક નિયમનની આશા રાખતી પોલીસ જ બેફામ રીતે ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરતી હોય તેવા અનેક વીડિયો લોકો દ્વારા સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને ડીજીપી દ્વારા આજે રાજયના તમામ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે.

જેમાં ટ્રાફિકના નિયમોનું કડક પણે પાલન કરવાના આદેશ પણ કરવામાં આવ્યાં છે, અને જો કોઇ પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનું પાલન ન કરતાં હોય તેવી બાબત ધ્યાનમાં આવશે તો તેના વિરુદ્ઘમાં દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.ડીજીપીના આ પરિપત્રમાં આપવામાં આવેલ સુચનાની વાત કરીએ તો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મચારીઓની પોલીસ લાઇન કે પોલીસ સ્ટેશનની બહાર ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવું. પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનનું પાલન કરે છે કે નહીં તેનું સુપરવાઈઝર અધિકારીએ અંગત સુપરવિઝન કરવાનું રહેશે. જે તે સુપરવાઇઝર અધિકારીના કાર્યક્ષેત્રમાં કોઇ પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનનો ભંગ કરતા જણાઇ આવશે તો, નબળા સુપરવિઝનની ગંભીર નોંધ લેવામાં આવશે.આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી દ્વારા સતત ત્રણ દિવસ સુધી રોલ કોલમાં તમામ પોલીસ કર્મચારીઓને પરિપત્રની સુચનાથી અવગત કરવા અને તેના અમલીકરણ અંગે યોગ્ય કાર્યવાહી કરવી.

(3:25 pm IST)