Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં 72 કિલોની કેક કાપી ભગવાન ગણેશના જન્મ દિવસની ઉજવણી

જિલ્લાના એક માત્ર જમણી સૂંઢવાળા ગણપતિ :દર્શનાર્થીઓનો ઘોડાપુર ઉમટ્યા

અરવલ્લી જિલ્લાના એક માત્ર જમણી સૂંઢવાળા ગણપતિ એવા મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં દાદાનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિજીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં તેમના ઘરેથી પ્રસાદનો ભોગ લઇને આવી પહોંચ્યા હતા. ગણેશજીના જન્મ દિવસ માટે ભક્તો દ્વારા ખાસ ૭૨ કિલોની કેક કાપીને પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ભગવાન ગજાનંદના જન્મ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. ભક્તિભાવ સાથે ઉજવાયેલ જન્મ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં દૂરદૂરથી ભક્તો ઉમટ્યા હતા.

મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર જેવી જ છે, જેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘોડાપુર ઉમટે છે. ગણેશજીના જન્મ દિવસને વિશેષ ઉજવણી કરી ભક્તોને આઈસક્રીમનો પ્રસાદ પણ પિરસવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા સ્વયંભૂ છે, અને 200 વર્ષ જેટલી પ્રાચિન હોવાની પણ લોકવાયકા છે. મંદિરના તમામ આયોજનને મંદિરના પ્રમુખ શિવુ રાવલ અને મંત્રી રમેશ પંડ્યા તેમજ શાસ્ત્રી સચિન મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

(1:22 pm IST)