Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં ભરૂચના માંડવા, ગોવાલી અને મૂલદ ગામમાં પાણી ઘુસ્યા : 3 હજારનું સ્થળાંતર

ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુઋષિ મંદિરની આસપાસ પણ ભરાયા

ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે નર્મદા નદીનું પાણી શહેરમાં ઘુસવાનું શરૂ થઈ ગયું છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે.

જેના કારણે દાંડિયા બજારમાં વેપારીઓના ધંધા અને રોજગારપર અસર થઈ રહી છે. તો ભૃગુઋષિ મંદિરની આસપાસ પણ નર્મદા નદીના પાણી ભરાઈ ગયા છે.

નર્મદા નદીમાં સતત ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળસપાટી 31.5 ફૂટ પર પહોંચ્યું હતું નદી કાંઠાના અંદાજે 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે 

નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે તંત્ર પણ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ સાથે જ નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે નર્મદા નદી કિનારાના ભરૂચ જિલ્લાના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. ભરૂચના માંડવા, ગોવાલી અને મૂલદ ગામમાં પાણી ફરી વળ્યું છે.

જેના કારણે ગામમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બોટની મદદથી લોકોને ગામમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક ગામડાઓ એવા છે જ્યાં પાણી ઘુસવાનું શરૂ થયું છે. તંત્ર દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

(12:24 pm IST)