Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વડોદરામાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ : લોકો ચિંતામાં

ગુજરાતમાં અતિવૃષ્ટિ તરફ વધતી પરિસ્થિતિ : ઉત્તર ગુજરાત સિવાય ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ : કચ્છમાં ૧૪૨ અને સૌરાષ્ટ્રમાં ૧૧૨ ટકા

અમદાવાદ, તા.૧૦ : ગુજરાતમાં સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત સહિતના અમુક વિસ્તારોમાં હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.  જેના કારણે રાજય સરકાર અને તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યના અમુક વિસ્તારોમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસવાનું અવિરત ચાલુ છે તેવી સ્થિતિમાં ડેડીયાપાડામાં ધોધમાર ૬ ઇંચ, વડોદરામાં ચારથી પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં વડોદરાવાસીઓ ફરી એકવાર જાણે ચિંતામાં મૂકાયા હતા.  કારણ કે, થોડા દિવસો પહેલાં વડોદરામાં ખાબકેલા ૨૧ ઇંચથી વધુ વરસાદે વડોદરામાં ભારે તારાજી સર્જી હતી ત્યારે આજે ફરી એકવાર ભારે વરસાદ ખાબકતાં સ્થાનિક નાગરિકો થોડા ફફડી ઉઠયા હતા. તો, ડભોઇ અને તેની આસપાસના પંથકોમાં પણ પાંચથી છ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, ભર ભાદરવે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કચ્છમાં ૧૪૨ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૦૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૧૧૨ ટકા એમ સીઝનનો કુલ ૧૦૦ ટકાથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૯૦ ટકા વરસાદ નોંધાયો છે. હવે જે વરસાદ પડી રહ્યો છે તેનાથી રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે. વડોદરા શહેર અને જિલ્લામાં ચારથી પાંચ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ફરી એકવાર વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી-પાણી થઇ ગયું હતુ. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો વડોદરા શહેરના રાજમહેલ રોડ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા. તો, વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આજવા ડેમના કેચમેન્ટ એરિયામાં ૬૧ મિ.મી. જેટલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

          જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઇ રહ્યો છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ ૨૧૨.૭૫ ફૂટ ઉપર પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૨.૭૫ ફૂટ ઉપર પહોંચી છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ધોધમાર ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે કરજણ ડેમના ઉપરવાસમાંથી ૧.૧૦ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. કરજણ ડેમની સપાટી હાલ ૧૧૪.૫૮ મીટર વટાવતા ડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે. તાત્કાલિક કરજણ ડેમના ૮ ગેટ ખોલીને ૧.૩૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને ૮ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજપીપળાના નદી કાંઠા વિસ્તારમાં પાણી ઘરોમાં આવ્યા હતા. જેને પગલે ૨૫થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક પંથકોમાં ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી., જ્યારે કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો હતો.

(9:10 pm IST)