Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ૫ લાખ ભાવિકો ઉમટયાઃ 'જય અંબે'ના નાદ ગુંજયા

બનાસકાંઠા, તા. ૧૧ :.  ભાદરવી પૂનમના મહામેળામા રાજ્યના ખૂણેખૂણા સહિત અન્ય રાજ્યના લોકો પણ અંબાજી ખાતે પગપાળા મા અંબાના શરણે આવી રહ્યા છે. રવિવારથી શરૂ થયેલો અંબાજી મંદિરના મેળાને લઈને અંબાજીને જોડતા તમામ માર્ગો 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદે ગુંજી ઉઠયા છે. પહેલા દિવસે જ લાખો ભાવિક ભકતો મંદિરમાં દર્શન કરતા ઉમટી પડયા હતા. ત્યારે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભકતોનો ધસારો રહ્યો હતો. ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. મેળાના દિવસમાં મંદિરમાં ૫ લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. તેમજ બે દિવસમાં મંદિરને દાન ભેટની ૧.૪૨ કરોડ રૂપિયાની આવક થઈ છે.

કુલ આવક ૮૧,૭૦,૯૦૦ થઈ, મંદિરના શિખરે ૨૯૨ ધજાઓ ચઢાવાઈ, ૩૬,૦૭૧ લોકોએ ભોજન પ્રસાદ લીધુ, ૫,૭૨,૭૫૦ પ્રસાદનું વિતરણ થયું, ૧,૧૧,૫૪૦ પ્રવાસીઓએ બસનો લાભ લીધો, ૨૩૭૫ બસ ટ્રીપ કરાઈ હતી. મેળાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર સહિત મુખ્ય બજારોમાં કુમકુમ ગુલાલની છોળો ઉડી હતી. તો બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સમગ્ર અંબાજીના વાતાવરણમાં ગુંજતો સંભળાઈ રહ્યો છે. જેને કારણે અનોખો અને આકર્ષિત એવો ભકિતમય માહોલ જોવા મળ્યો છે.

અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ, ભકતો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે જે નિઃશુલ્ક છે. આ સાથે જ ભકતો માટે ટેન્ટ સિટી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ભકતોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે રીતે તંત્ર તથા મંદિરના ટ્રસ્ટ દ્વારા પુરતી કાળજી રાખવામાં આવી રહી છે.

(5:37 pm IST)