Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પૂર્વ IPS સંજીવ ભટ્ટના દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા

સીઆઇડી ક્રાઇમની અરજી હાઈકોર્ટે મંજુર કરી : એનડીપીએસના પ્રકરણમાં પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટના રિમાન્ડને નામંજૂર કરતા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી

અમદાવાદ, તા.૧૧ : ૨૨ વર્ષ જૂના એનડીપીએસના કેસમાં પાલનપુર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરતાં સીઆઇડી ક્રાઇમ તરફથી સરકારે હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સીઆઇડી ક્રાઇમની રિમાન્ડની માંગણી ગ્રાહ્ય રાખી હતીઅને પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારપક્ષ તરફથી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, એનડીપીએસના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટના નિર્દેશાનુસાર હાથ ધરાયેલી તપાસમાં આરોપી સંજીવ ભટ્ટ વિરુદ્ધ કેસ ખુલ્યો છે અને પ્રથમદર્શનીય પુરાવા પ્રાપ્ત થયા છે. આ સંજોગોમાં કેસની ન્યાયી અને યોગ્ય તપાસ કરવા માટે સંજીવ ભટ્ટની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોઇ કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.   સીઆઈડી ક્રાઈમે ભટ્ટના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ સાથે સંજીવ ભટ્ટના રિમાન્ડ માટે અન્ય ૧૮ જેટલા કારણો કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં મુખ્ય કારણ અફીણ સાથે પકડાયેલા આરોપીને માર મારી ધમકી આપવામાં આવી હતી અને બોગસ કેસ ઉપજાવી કાઢયો હોવા સહિતના હતા. ઉલ્લેખનીય છે કે, રિટાયર્ડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની સાથે નિવૃત્ત પીઆઈ વ્યાસ સહિત ૭ની અટકાયત કરવામાં આવી હતી. તપાસના અંતે પુરાવા મળતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલે ફરી તપાસનો આદેશ કર્યો હતો. મૂળ કેસ એવો હતો કે, સને ૧૯૯૮માં પાલનપુર પોલીસ સ્ટેશનમાં નોર્કોટિક્સનો એક કેસ નોંધાયો હતો. જેની ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચી તપાસ કરવા સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો હતો. જે અંતર્ગત આઈજીપી અજય તોમર, ડીઆઈજી દિપાંકર ત્રિવેદ્દી અને એસપી વિરેન્દ્રસિંહ યાદવ તપાસ કામગીરી બજાવી રહ્યા છે. સાથે જ સેશન્સ જજ જૈનને સેવા નિવૃત્તિ લેવા આદેશ કર્યો હતો. થોડા માસ પૂર્વે કોર્ટની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં નાર્કોટિક્સના કેસ સાથે સંકળાયેલા તમામ પોલીસકર્મીઓ સંજીવ ભટ્ટની વિરૂધ્ધમાં નિવેદન આપ્યા હતા. તેમાં કેસ ખોટો કરવામાં આવ્યો હોવાનું નિવેદન અપાયું હતું. બનાસકાંઠાના એસપી તરીકે સંજીવ ભટ્ટ ફરજ બજાવતા હતાં ત્યારે અમદાવાદ સેશન્સ જજ આર આર જૈને તેમને એક વ્યક્તિગત કેસમાં મદદ કરવા કહ્યું હતું. રાજસ્થાનના પાલીમાં તેમના સંબંધી ફૂટરમલનો રાજ પુરોહિત નામના વકીલ સાથે મિલકતને લઈને વિવાદ ચાલતો હતો તેમાં મદદ માંગી હતી. વકીલ પુરોહિત મકાન ખાલી કરવા તૈયાર ન થતાં જજે તત્કાલીન એસપી સંજીવ ભટ્ટની મદદ માંગી હતી. તેમણે વકીલ વિરૂધ્ધ અફીણનો બોગસ કેસ ઉભો કરી એનડીપીએસ એક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જો કે, પાછળથી આખો કેસ બોગસ હોવાનું પુરવાર થયું હતું. જેને પગલે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની અંતે ધરકપડ કરવામાં આવી હતી.

(8:21 pm IST)