Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગાંધીનગરમાં હોસ્પિટલના બાંધકામ અંગે સે-23માં નોટિસ ફટકારાઇ

ગાંધીનગર:પાટનગરમાં ગેરકાયદે બાંધકામ અને બાંધકામના હેતુફેર વપરાશ મુદ્દે મહાપાલિકા ફરીવાર મેદાને ઉતરી છે. 10 દિવસના વિરામ બાદ જો કે સોમવારે કોઇ તોડફોડ કરવામાં આવી ન હતી. પરંતુ મહાપાલિકાએ સેક્ટર 24ને પડતું મુકીને સિંહની બોડમાં હાથ નાખી દીધો હતો અને બાંધકામના હેતુફેર વપરાશ બદલ સેક્ટર 7માં રહેણાંકમાં ધમધમતા 23 હોસ્પિટલ, દવાખાનાને નોટિસ ફટકારવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે નોટિસમાં તમામ એકમને 2 દિવસની મુદ્દત દસ્તાવેજી ખુલાસા રજુ કરવા માટે આપવામાં આવી છે. બાદમાં સીલ મારવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 
સેક્ટર 7નો એક મોટો વિસ્તાર દવાખાનામાં પરિવર્તિત થઇ ગયો છે. તેને પણ દોઢ દાયકાથી વધુ સમય પસાર થઇ ચૂક્યો છે અને મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચી ચૂકેલો છે. પરંતુ રાજકારણની દરમિયાનગીરીને કારણે આજે પણ આ વિસ્તારમાં લોક વિરોધ વચ્ચે પણ રહેણાંકના પ્લોટમાં ખાનગી દવાખાના અને હોસ્પિટલ ધમધમતા જ રહ્યા છે. બાંધકામના હેતુફેર વપરાશના મુદ્દે વર્ષો વિતવા છતાં કોઇ જ તંત્ર દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે મહાપાલિકા દ્વારા અહીં એક સાથે 23 હોસ્પિટલને બાંધકામના હેતુફેર વપરાશને લઇને નોટિસ ફટકારવામાં આવતા તબિબિ આલમમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. દરમિયાન સેક્ટર 24માં કાર્યવાહી કરવામાં આવી ન હતી. 

(4:34 pm IST)