Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મારવા-જીવાડવાનું કાર્ય યમરાજાએ હવે ડીસીપી રાઠોડ જેવા પોલીસ ઓફીસરોને સોંપ્યું છે કે શું? ફેસબુક પર હાર્દિકનો જવાળામુખી ફાટયો

હાર્દિકના ઘર પાસે ચોકીદારી કરી થાકેલા પોલીસ અને હાર્દિક વચ્ચે સંઘર્ષ વધતો જાય છે : અંગ્રેજોનું શાસન ન જોયુ હોય તો ગુજરાત પધારો, મારા નિવાસસ્થાન નજીક વાઘા બોર્ડર જેવા દ્રશ્યો છે, ભાઇને અટકાવાતા હાર્દિક દરવાજા સુધી પહોંચેલ

રાજકોટ, તા., ૧૧: છેલ્લા  ૧૮-૧૮ દિવસ થયા ઉપવાસ પર ઉતરેલા હાર્દિકના નિવાસસ્થાન બહાર ઉપરના આદેશથી ચોકીદાર જેવી ખડેપગે ફરજ બજાવતો પોલીસ સ્ટાફ પણ હવે થાકવા લાગ્યો છે. લાંબા સમય થયા પીઆઇ ટુ  ડીવાયએસપી કક્ષાએ બઢતી-બદલી અંગેની અનિશ્ચિતતાઓ વચ્ચે આવી અણગમતી ફરજથી થાકેલી પોલીસ અને હોસ્પિટલમાં જઇ તરોતાજા થયેલ હાર્દિક વચ્ચે ઘર્ષણ વધી રહયું છે. ગાંધીનગર દ્વારા શરૂઆતથી જ ૧૪૪ મી કલમ દાખલ કરી હાર્દિકને મળવા જાજા લોકો જઇ ન શકે તેવી સ્ટ્રેટેજી અપનાવાઇ  છે. પરંતુ જાણે ઉલ્ટુ બનતુ હોય તેમ હાર્દિકના વધતા જતા ઉપવાસના દિવસોને કારણે શરૂઆતમાં પાટીદારોનું ઓછુ દેખાતુ સમર્થન હકિકતમાં અંદરથી સમર્થન હતું તેવું પારખી શકવામાં ઉણા ઉતરેલ તંત્ર દ્વારા પોલીસને અપાતા હુકમોને અનેક જાતની સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે.

પોલીસ દ્વારા હાર્દિકને મળતા અટકાવવા માટે જે પધ્ધતી અપનાવાઇ રહી છે. તેને કારણે શકિતસિંહ ગોહીલ સહીતના કોંગી નેતાઓ જ નહિ વિવિધ પક્ષના અગ્રણીઓ અને સામાન્ય લોકો ફરીયાદ કરવા લાગ્યા છે. અધુરામાં પુરૂ હાર્દિકના ન્યુઝ જાણે બ્લેકઆઉટ કરવા હોય તેમ મીડીયાને શુટીંગ કરતા રોકવા, અંદર ન જવા દેવા, આ બધી બાબતો તંત્ર માટે ઉલ્ટી સાબીત થઇ રહી છે.

ઉંઝા અને સીદસરમાં નિકળેલી વિશાળ રેલી મીડીયાએ રોષે ભરાઇ વધુને વધુ લોકોને દેખાડી અને હાર્દિકને પ્રચંડ સમર્થન હોવાનું બહાર આવતું હોય તેવા દ્રશ્યો સર્જાતા ગાંધીનગરને હવે રહી રહીને મીડીયા કર્મીઓને રોકવા બદલ હવે અફસોસ થતો ન હોય તો જ નવાઇ જેવું ગણાશે.

ગઇકાલે જ હાર્દિકને મળવા માટે તેનો ભાઇ રવિ પટેલ મળવા આવતા તેને જે રીતે પોલીસે અટકાવવાનો પ્રયત્ન કર્યો અને હાર્દિકને તેનો મેસેજ મળતા તે ઉપવાસી છાવણી છોડી અને દરવાજા સુધી પહોંચી પોલીસને કડક શબ્દોમાં પોતાના પરિવારને રોકવા બદલ ચેતવણી આપી.

 હાર્દિકે વિશેષમાં પોલીસ સ્ટાફને એવું જણાવ્યું કે તમે જે આ બધુ કરો છો? તે યોગ્ય નથી. મારા પરીવારને અટકાવશો તો આના પરીણામો વિપરીત પણ આવી શકે.

સંઘર્ષની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે  થોડો સમય અગાઉ મોરબીથી બદલી પામી અમદાવાદ ઝોન-૧ ના ડીસીપી તરીકે મુકાયેલા ડીસીપી જયપાલસિંહ રાઠોડ કે જેઓને એક તબક્કે હાર્દિકે પોતાને હોસ્પીટલમાં દાખલ કરવા જણાવ્યાનું અને ડીસીપી રાઠોડે તેઓને લેખીત આપવા માંગણી કર્યાની ચર્ચા હતી  તેવા ડીસીપી જયપાલસિંહ રાઠોડસામે હાર્દિકે  સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો.

ફેસબુક પોસ્ટ પર હાર્દિકના ગુસ્સાનો જાણે જવાળામુખી ફાટયો હોય તેમ તેણે એવુ લખ્યું કે ડીસીપી જયપાલસિંહ રાઠોડ મને એવું કહે છે કે હું તને મારી નાખીશ. હાર્દિકે આ સંદર્ભમાં ફેસબુક પર કટાક્ષ કરતા એવો સવાલ કરી સૌની ચોંકાવી નાખ્યા છે. તેણે એવું પુછયું છે કે શું હવે જીવતા રાખવાનું કે મારી નાખવાનું કામ હવે યમરાજે ડીસીપી  જયપાલસિંહ રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને સોંપી દીધું છે કે શું?

હાર્દિકે તેના નિવાસસ્થાન બહાર ખડકાયેલા પોલીસ કાફલાને કેન્દ્રમાં રાખી ફેસબુક પર ધગધગતા શબ્દપ્રહાર કરતા એવું જણાવ્યું છે કે, જો તમે અંગ્રેજોનુંશાસન ન જોયુ હોય તો, ગુજરાતમાં એક વાર પધારો મારા નિવાસસ્થાને તમને વાઘા બોર્ડર જેવા દ્રશ્યો જોવા મળશે.

હાર્દિકે મીડીયા કર્મી પર થયેલા બળપ્રયોગને કેન્દ્રમાં રાખી એવો કટાક્ષ કર્યો છે કે, પોલીસ હવે મીડીયા સાથે પણ દાદાગીરી કરી ધમકીઓ આપવા લાગી છે. અર્થાત સામાન્ય પ્રજા પર તંત્રના ઇશારે દાદાગીરી કરવા લાગેલી પોલીસ હવે મીડીયાને પણ છોડતી નથી. તેઓ તેનો ગર્ભીત ઇશારો હોવાનું જાણકારો માની રહયા છે.

ટુંકમાં કહીએ તો તંત્રના આદેશથી સંઘર્ષ ઉભો થાય તેવી અણગમતી ફરજ બજાવવાના કારણે પોલીસ આમેય નારાજ છે. તહેવારો દરમિયાન પરિવાર સાથે રહેવાનો બિલકુલ સમય મળ્યો નહિ. ઉપવાસી છાવણી સાથે સામાન્ય રીતે સ્ટાફની મિત્રતા રહેતી હોય છે. અરસ-પરસ ધ્યાન પણ રખાતું હોય છે. જોકે આ સંંૅઘર્ષને કારણે પોલીસને જે રીતે સાચવી ચા-પાણી પાવા જોઇએ તેવું થવાની તો આશા જ રહી નથી. આમ ચોકીદારીથી થાકેલી પોલીસ અને હોસ્પીટલમાં જઇ નવી ઉર્જા મેળવનાર હાર્દિક વચ્ચે સંઘર્ષ વધતો જાય છે.

(3:48 pm IST)