Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગાંધીનગરમાં શ્રમ-રોજગાર વિભાગના વિવિધ ખાતાઓમાં નવનિયુક્ત ૩૪૦ ઉપરાંત યુવાશક્તિને નિમણૂંક પત્રો વિતરણનો ગૌરવશાળી સમારોહ: ઝડપી-પારદર્શી ભરતી પ્રક્રિયાથી બે વર્ષમાં એક લાખ યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસર આ સરકારે આપ્યા છે: વિજયભાઇ રૂપાણી

        ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યુ છે કે રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસરો મળે તે માટે આ સરકારે ઝડપી અને પારદર્શી ભરતી પ્રક્રિયાથી બે વર્ષમાં ૧ લાખ યુવાનોને રોજગારી આપી છે.

        આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોએ ભરતી પર મૂકેલા પ્રતિબંધને કારણે વર્ષો સુધી બેકલોગ રહ્યો અને સરકારી સેવામાં ભરતીની ગેપને કારણે જગ્યાઓ ખાલી પડી રહી.     

        આ સરકારે જૂનો બેકલોગ ભરવા સાથે પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને માત્ર મેરિટ-ગુણવત્તાના આધારે ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

        મુખ્યમંત્રીશ્રીએ શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના વિવિધ ખાતાના સંવર્ગોમાં વર્ગ-૧ થી વર્ગ-૩ની જગ્યાઓ પર નિમણૂંક પામેલા ૩૪૪ યુવા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.

 

        શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવયુવા ઉમેદવારોને ટીમ ગુજરાતમાં આવકારતાં રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. 

        તેમણે આ નવનિયુકત ઉમેદવારોને સંવેદનાસ્પર્શી અને અરજદાર પ્રત્યે માનવીય અભિગમ દાખવી ઇમાનદારીથી ફરજનિષ્ઠા નિભાવવા પ્રેરણા આપી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભૂતકાળમાં સરકારી સેવામાં ભરતી-બઢતી-બદલીમાં જે ગેર તૌરતરીકા થતા, મા-બાપ દેવું કરી-દાગીના વેચી પોતાના સંતાનને સરકારી નોકરી અપાવવા લાંચ આપતા તે બધું જ આ સરકારે પારદર્શી ભરતી અને GPSC સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જડબેસલાક વ્યવસ્થાથી એક જ ઝાટકે દૂર કરી દીધું છે.                         ‘‘હવે માત્ર ગુણવત્તા-ક્ષમતા અને મેરિટના આધારે જ નોકરી મળે છે કોઇને પાઇ-પૈસો આપવાની કે કોઇનો ઝભો પકડવાની નોબત આવતી નથી’’ એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

        મુખ્યમંત્રીશ્રીએ શ્રમ-રોજગાર વિભાગનો સંબંધ, કામદારો અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના કામદારો સાથે છે ત્યારે નવનિયુકત યુવાશકિત તેમનું રક્ષણ કરે તેવી હ્રદયસ્પર્શી અપીલ પણ કરી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મોટા ઊદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવતાં જરૂર જણાયે આ માટે કડક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતે રાજ્ય સરકારમાં મંત્રી પદનો પહેલો કાર્યભાર શ્રમ-રોજગારનો સંભાળેલો તેના સ્મરણો તાજાં કરતાં કહ્યું કે, આ એવું સેવા ક્ષેત્ર છે જેમાં ઇમાનદારી-નિષ્ઠાથી કામ કરીને કાર્યસંતોષ અને આત્મસંતોષ બેય મેળવી શકાય છે.

        શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે નવનિયુક્તિ પામનાર ૩૪૪ યુવાનોને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારી નોકરીના માધ્યમ દ્વારા આપને સેવા કરવાની તક મળી છે ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરીને ગુજરાતને સર્વોચ્ચ સ્તરે પહોંચાડશો.

        મંત્રી શ્રી ઠાકોરે ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લા ઘણાં વર્ષોથી સરકારી સેવાઓમાં નિયુક્તિ માટેનું અભિયાન ઉપાડ્યું છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં આઇ.ટી.આઇ.માં ૧,૦૦૦ થી વધુ ઇન્સ્ટ્રકટરોની ભરતી કરી છે. સાથે સાથે છેલ્લા પાંચ વર્ષમાં શ્રમ અને રોજગાર વિભાગમાં ૩,૪૦૦ થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે અને આગામી સમયમાં ૩,૦૦૦ થી વધુ જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂકો આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

        મંત્રી શ્રી ઠાકોરે ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રમયોગીઓને મદદ કરવા માટે તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તેમજ પૂરતું વેતન મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ઔદ્યોગિક એકમો અને શ્રમયોગીઓ વચ્ચેના પ્રશ્નોનું શ્રમ આયુકત દ્વારા સમાધાન કરીને ઉદ્યોગોને ધમધમતા રાખ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં પ્રવર્તી રહેલ શાંતી અને સલામતીના પરિણામે અનેક ઉદ્યોગકારો રાજ્યમાં આવી રહ્યા છે અને તેના લીધે ઘર આંગણે જ રોજગારી ઉત્પન્ન થઇ રહી છે.

        રોજગાર તાલીમ નિયામક શ્રી સુપ્રીત ગુલાટીએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્કીલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે ગુજરાત પણ આ ક્ષેત્રે અગ્રીમ રહેશે.

        આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-૧, મદદનીશ નિયામક બોયલર વર્ગ-ર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ-ર, ઇન્સ્પેકટર વર્ગ-ર અને મદદનીશ સ્ટોરકીપર વર્ગ-૩ની વિવિધ કેડરના ૩૪૪ યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.

        આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી વિપુલ મિત્રા સહિત ઉચ્ચ અધિકારીઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ શ્રમ આયુકત શ્રી સી.જે.પટેલે કરી હતી.

 

(2:20 pm IST)