Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કરોડોના બીટકોઈન પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજુર

કોટડિયાએ તબિયતનું કારણ તેમજ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની દલીલ કરી

અમદાવાદ :કરોડોના બીટકોઈન પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સીઆઈડી ક્રાઇમે નલિન કોટડિયાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલે દલીલ કરી કે આ અપહરણ, અને ખંડણીનો મામલો છે. તેમજ  આટલા સમયથી નલિન કોટડિયા કોના સંપર્કમા હતા અને અન્ય આરોપીઓની પૂછપરછમાં પણ નલિન કોટડિયા મુખ્ય આરોપી હોવાનું જાણવા મળ્યું છે.

 આ ઉપરાંત કેતન પટેલ અને કિરીટ પાલડિયા સહિતના આરોપીઓની પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપતા નથી. જેથી આરોપીના 10 દિવસના રિમાન્ડ મળવા જોઈએ. તો સામે કોટડિયાએ તબિયતનું કારણ તેમજ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની દલીલ કરી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાંડમાં સીઆઈડી ક્રાઈમે 25 લાખ રૂપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી મુજબ કોટડિયાને કુલ 66 લાખ મળવાના હતા જે પૈકી તેમને 35 લાખ રૂપિયા મળી ચૂક્યા છે.

(7:52 pm IST)