Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગુજરાતમાં અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ વરસ્યો : ગુજરાતના દરિયામાં કરન્ટ જોવા મળ્યો

દરિયો તોફાની બનતાં માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી : વસલાડના દરિયા કિનાર સુધી ઊંચા મોજા ઉછળ્યા

અમદાવાદ તા.12 : ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે અને ચારેય ઝોનમાં અત્ર-તત્ર-સર્વત્ર છે. બીજી બાજુ, ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયો ગુજરાતીઓને ડરાવી રહ્યો છે. દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બનતાં માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે.

દરિયાદેવની સાથે પવનદેવ પણ તોફાને છે. સૌરાષ્ટ્રથી માંડીને વસલાડના દરિયા કિનાર સુધી દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ દરિયા કિનારે ફરવા ગયેલા લોકોએ પણ ખાસ સચેત રહેવાની અને દરિયાથી દૂર રહેવની જરૂર છે.

દરિયામાં ભારે કરન્ટને લીધે 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયામાં ઊંચા તોતિક મોજા ઉછળી રહ્યા છે. દરિયાના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે અને દરિયાના પાણી દાંતી ગામમાં ઘૂસ્યા છે. તોફાની દરિયો અને ઝડપી પવનને કારણે દરિયા કિનારાના કેટલાક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. ગામની શેરીઓ અને લોકોના ઘરોમાં પણ દરિયાના પાણી ઘૂસ્યા છે. દાંતી ગામમાં વરસાદ કે નદી નહીં પરંતુ દરિયાના પાણીને કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

બીજી બાજુ, ગીર સોમનાથનો દરિયો ગાંડોતૂર બન્યો છે. અહીં દરિયાના તોફાની મોજાની ઝપટે બોટ આવી છે. મોજાની થપાટથી ફિશિંગ બોટ ભીડીયા નજીક આવી પહોંચી હતી. વેરાવળની બોટ બંદરમાં આવતા સમયે આ ઘટના બની હતી. બોટમાં મશીન બંધ પડતાં 7 ખલાસીઓ ફસાયા હતા. બોટને કાંઠે લાવવા અને ખલાસીઓને બચાવવા કવાયત શરૂ કરાઇ હતી. આમ, અરબી સમુદ્રમાં ભારે કરન્ટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જિલ્લાના વેરાવળ બંદરથી લઈને સુત્રાપાડા, કોડીનાર સહિત ઉનાના સૈયદ રાજપરા બંદર સુધી દરિયામાં ઉછળતા મોજાઓની સાથે 50 કિલો મીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂકાયા રહ્યો છે. જેને લઈને માછીમારોના જીવ તળાવે ચોંટ્યા છે. જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

12 ઓગસ્ટ: આ તારીખે ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારસુધી 78.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 126.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.47 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છે

(12:52 am IST)