Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કોલસાના કુલ ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીમાં 11 ટકાથી વધુનો વધારો

જુલાઈ 2022માં કોલસાનું કુલ ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં 11.37 ટકાના વધારા સાથે 60 મિલિયન ટનને પાર કરી ગયું

ગાંધીનગર તા.11 : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1774માં પશ્ચિમ બંગાળના રાણીગંજના નારાયણકુડી વિસ્તારમાં પ્રથમ વાર ઔદ્યોગિક ધોરણે કોલસાનું ઉત્પાદન શરૂ કર્યું અને તે રીતે ભારતમાં કોલસાની ખાણની શરૂઆત થઈ હતી. ત્યારથી ભારત હાલ વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. અને તેમાં પણ કોલસા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોલસાના કુલ ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે.

24 કોલસાની ખાણોમાં 100 ટકા ઉત્પાદન જોવા મળ્યું છે. ચોમાસા દરમિયાન ખાણોમાં પાણી ભરાવાથી કોલસાના ઉત્પાદન અને તેના ડિસ્પેચ પર અસર પડે છે, જેના કારણે તહેવારો દરમિયાન વીજળીની માંગમાં વધારો સાથે પાવર પ્લાન્ટના સ્ટોકમાં ઘટાડો થાય છે. આ કારણોસર આ વર્ષે સરકાર દરેક સંભવિત રીતે ઉત્પાદન વધારી રહી છે, જેથી સ્ટોક જળવાઈ રહે.

જુલાઈ 2022માં કોલસાનું કુલ ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં 11.37 ટકાના વધારા સાથે 60 મિલિયન ટનને પાર કરી ગયું હતું. ગયા વર્ષે જુલાઈમાં કુલ 54 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થયું હતું. તે જ સમયે, દેશની 37 સૌથી મોટી કોલસા ખાણોમાંથી 24 ખાણોમાંથી ઉત્પાદન 100 ટકા હતું. 7 ખાણોમાં ઉત્પાદન 80થી 100 ટકા વચ્ચે હતું. તે જ સમયે, જુલાઈમાં કોલસાની ડિસ્પેચ 8.51 ટકા વધીને 67.8 મિલિયન ટન થઈ ગઈ છે. વીજળીની વધતી માંગને કારણે પાવર પ્લાન્ટને મોકલવામાં આવતો કોલસો 17 ટકા વધીને 58.4 મિલિયન ટન થયો છે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશ કરતો દેશ છે. ડેટા અનુસાર વીજળીની માંગમાં દર વર્ષે લગભગ 4.7 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન પર ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે એપ્રિલ-જુલાઈ 2022 દરમિયાન દેશમાં અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વીજળીની માંગમાં 13.93 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી.

આનું કારણ તાપમાનમાં તીવ્ર વધારો, દેશના ઉત્તરીય પ્રદેશમાં ચોમાસામાં વિલંબ તેમજ કોવિડ પછીના સમયગાળામાં વ્યવસાયિક પ્રવૃત્તિઓની સંપૂર્ણ પુનઃપ્રાપ્તિને આભારી હોઈ શકે છે. નાણાકીય વર્ષ 2021-22ના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ-જુલાઈ 2022 દરમિયાન કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં 16.13 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. વીજ માંગમાં વધુ વધારાની આગાહી સાથે કોલસાની માંગમાં પણ વધારો થવાની શક્યતા છે.

 

(8:30 pm IST)