Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રક્ષાબંધન પર આ વર્ષે વૈદિક મીઠાઇની ડિમાન્‍ડ

ગીર ગાયના ઘીમાં બનતી ભસ્‍મયુક્‌ વૈદિક મીઠાઇ : આયુર્વેદિક ફિઝિશિયને દેશ-વિદેશના ઓર્ડર મળીને ૫૦૦ કિલોગ્રામ મીઠાઇ બનાવી

સુરત,તા.૧૧: રક્ષાબંધનના પર્વને લઈને બજારમાં જોવા મળતી અનેક પ્રકારની મીઠાઈ વચ્‍ચે સંપૂર્ણ રીતે આયુર્વેદિક ગ્રંથો અનુસાર તૈયાર કરવામાં આવતી વૈદિક મીઠાઈની પણ ડિમાન્‍ડ જોવા મળી છે . ગીર ગાયના ઘી માં બનતી ભસ્‍મયુક્‌ વૈદિક મીઠાઈ આયુર્વેદિક ફિઝિશિયન મીરા સાપરિયા જાતે બનાવે છે. તેમણે ૫૦૦ કિલોગ્રામ મીઠાઈ બનાવી છે. જેમાંથી વિદેશોમાં પણ મોકલી છે.

આયુર્વેદિક સંહિતાઓમાં ઉલ્લેખિત આયુર્વેદિક ઔષધી સાથે શુદ્ધ ઘીમાં સુવર્ણ ભસ્‍મ સાથે તૈયાર કરવામાં આવતી વૈદિક મીઠાઈની ડિમાન્‍ડ દેશના અન્‍ય રાજય સહિત વિદેશોમાં પણ છે. રોગપ્રતિકારક શક્‍તિ વધારવા અસરકારક આ વૈદિક મીઠાઈ પોતે શહેરના આયુર્વેદિક ડો.મીરા સાપરીયાએ બનાવી છે. શહેરમાં હાલમાં જે ભાવે અન્‍ય મીઠાઈઓ મળે છે તે જ ભાવમાં આયુર્વેદિક ઔષધો સાથે શુદ્ધ ઘીમાં સુવર્ણ ભસ્‍મ યુક્‍ત મીઠાઈ તૈયાર થાય છે.

આ અંગે ડો.મીરાએ કહ્યું કે , દરેક વ્‍યક્‍તિની રોગપ્રતિકારક શક્‍તિ વધે તે આશયથી તેમની મિઠાઈમાં બીજા આયુર્વેદિક ઔષધો સાથે સુવણભસ્‍મનો પણ ઉપયોગ કર્યો છે. સ્‍વીટ હની મસ્‍તી સુવર્ણ ભસ્‍મ યુક્‍ત કતરી બનાવી છે. તેમાં ગળોસત્ત્વ, શ્વસનતંત્ર પર કાય કરનાર સૂંઠ, પિપ્‍પલી, અભ્રક ભસ્‍મ સ્‍મૃતિ વર્ધક -વચા, તથા મીઠાઈ સરળતાથી પચે અને કેલ્‍શિયમ, આયન પણ શરીરને મળી રહે તેવા અન્‍ય ઔષધો પણ ઉમેરેલા છે. મીઠાઈ લેબ પ્રામાણિત છે. આ વર્ષે ૫૦૦ કિલો વૈદિક મીઠાઈ બનાવી છે. ખાસ કરીને કેનેડા, જર્મની, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાંથી પણ ડિમાન્‍ડ આવી છે.

(10:34 am IST)