Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દાબખલ ખાતે આદિજાતિ વિકાસમંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને વૈદકીય સંમેલન યોજાયું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દાબખલ ફોરેસ્‍ટ ઓફિસર ખાતે ચરક વનૌષધિ અને કુદરતી પ્રથમ ઉપચાર કેન્‍દ્ર દ્વારા વૈદિક ભકિત દિન અંતર્ગત વૈદકીય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલલા પાટકરે જંગલની વનસ્‍પતિઓ અને તેમાંથી બનતી ઔષધિઓના જાણકારોને પ્રોત્‍સાહન મળે તે માટે વિશેષ ઉપસ્‍થિત રહી વૈદોનો ઉત્‍સાહ વધારી તેમને પડતી મુશ્‍કેલીઓ સાંભળી યોગ્‍ય ઘટતું કરવાની હૈયા ધરપત આપી હતી.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા દર વર્ષે અમદાવાદ ખાતે આયુર્વેદિક ઉપચાર કરતા વૈદોનું સંમેલન રાખવામાં આવે છે. જેમાં વૈદો વિવિધ વનૌષધિ લાવી આયુર્વેદિક ઉપચાર કરે છે. જંગલમાં રહેલી અનેક વનસ્‍પતિઓમાં ઔષધિય ગુણો રહેલા છે. વનમાં રહેતા ભગતો અને વનસ્‍પતિના જાણકારો રોગને જડમૂળમાંથી દૂર કરી શકાય તેવી ઔષધિઓ બનાવે છે. હજારો વર્ષોથી આ સચોટ ઉપચાર ખૂબ જ ઓછા ખર્ચે ઉપલબ્‍ધ થાય છે, જે ગરીબ પરિવારો અને જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ હોય છે. અમુક રોગમાં આ ઔષધિઓ ઉત્તમ કાર્ય કરે છે, જે મેડીકલ સાયન્‍સે પણ સ્‍વીકાર્યું છે

ચરક વનૌષધિ અને કુદરતી પ્રથમોપચાર કેન્‍દ્રના સોમાભાઇએ જણાવ્‍યું હતું કે, વર્ષોથી ચાલતી આવતી પરંપરાને જાળવી આયુર્વેદિક વનસ્‍પતિઓ થકી લોકોના દુઃખ દુર થાય તે માટે આયુર્વેદિક ઉપચાર થકી અમે પ્રયત્‍નો કરીએ છીએ.
આ સંમેલનમાં તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન નડગે, કપરાડા મામલતદાર, પૂર્વ ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી, ગુલાબભાઇ રાઉત, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ત્રિલોકીનાથ યાદવ, સરપંચ, વન વિભાગના અધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયત સભ્‍યો, વૈદકીય ઉપચાર કરતા ભક્‍તો, કપરાડા તાલુકાના વિવિધ વિસ્‍તારોમાં વૈદકીય કામગીરી કરતા વૈદ્યો હાજર રહયા હતા.

(9:07 am IST)