Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શું કાયદો માત્ર પ્રજા માટે જ : માસ્કનો દંડ ઉઘરાવતા અધિકારી ખુદ માસ્ક વિહોણા !!

માસ્ક નહીં પહેરનારને ASIએ પોતે જ માસ્ક વિના દંડ ફટકાર્યો: કહ્યું, "તમારે જે કરવું હોય તે કરી લો" : વિડિઓ વાયરલ

અમદાવાદઃ કોરોના મહામારીમાં સંક્રમણ ઘટાડવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ માસ્ક વગર ફરનારા લોકો પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારનાં જ એક અધિકારી એટલે કે ભાવનગરમાં આસિસ્ટન્ટ સબ ઇન્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી માસ્ક વિના માસ્ક વગર ફરનારા લોકો પાસેથી દંડ ઉઘરાવતા ટ્રોલ થઈ ગયા હતા.

 

જો કે આ ઘટનાને પરિણામે પ્રજામાં એવો પ્રશ્ન ઉઠ્યો હતો કે, શું કાયદો માત્ર પ્રજા માટે છે? અધિકારીઓ માટે નથી ? તેના જવાબમાં વળી પાછું અધિકારી કહે છે કે, “તમારે જે કરવું હોય તે કરી લો”. બિચારી અને બાપડી બની ગયેલી પ્રજા શું કરી શકે તેનો પરિચય આપ્યો છે. કાયદાનું રક્ષણ કરનારી પોલીસ જ ભક્ષક બની હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જે પ્રજામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે

ભાવનગર નારી ચોકડી પાસે વરતેજ પોલીસ સ્ટેશનના ASI જીપમાં બેઠા-બેઠા માસ્ક વગર નીકળતા નાગરિકો પાસેથી દંડ વસુલ કરતાં હતાં. ત્યારે એક જાગૃત નાગરિકે પોલીસને પૂછ્યું કે, “શું સાહેબ તમારે કોઇ નીતિ નિયમો લાગુ પડતા નથી? શું પ્રજાને જ નિયમો લાગુ પડે?” તેનાં જવાબમાં ASIએ આ અંગે કલેકટર પાસેથી જવાબ મેળવી લેવો તેવું કહ્યું હતું.

જો કે ASIનો આ વીડિયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં. માસ્ક વગરના ASI વરતેજ પોલીસ મથકનાં નિરુભા બી. જાડેજા હોવાનું અને તેમની પાસેથી પણ 500 રૂપીયા દંડ વસુલ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારનાં રોજ જણાવ્યું હતું કે, “રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં 11 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ (Mask 1000 fine) કરવામાં આવશે.” જાહેરમાં માસ્ક નહીં પહેરનારાને સૌ પહેલાં 200 રૂપિયા, બાદમાં 500 રૂપિયા અને હવે 1 હજાર રૂપિયા દંડ (Mask 1000 fine) વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

(3:25 pm IST)