Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

માસ્કના દંડની રકમ અને હોસ્પિટલની અસુવિધા મુદ્દે રેલી :આપના ગોપાલ ઈટાલિયા સહિત 45 કાર્યકરોની ધરપકડ

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને પરમિશન વગર રેલી અંગે અમદાવાદમાં રાણીપ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ

અમદાવાદ: આમ આદમી પાર્ટીના 45 કાર્યકરોની રાણીપ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. કલેકટર કચેરી પાસે ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરોએ રેલી સ્વરૂપે એકત્ર થઈ સરકારના નિર્ણય અને પોતાની માંગને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સરકારે નક્કી કરેલા માસ્કના દંડનો વિરોધ તેમજ હોસ્પિટલોમાં અસુવિધાઓને કારણે જે-તે વ્યક્તિની જવાબદારી નક્કી કરી તેઓ પાસે દંડ વસુલવાની આમ આદમી પાર્ટીની માંગ હતી. જોકે વિરોધ કરવા જતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર અને પરમિશન વગર રેલી સ્વરૂપે એકત્ર થયેલા કાર્યકરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.

રાણીપ પોલીસે સોમવારે સાંજે 5 વાગ્યે ગોપાલ ઈટાલિયા સહિત 45 જણા વિરુદ્ધ આઈપીસી 188, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 51 (બી), મહામારી અધિ નિયમ 1897ની કલમ 3 અને જી.પી.એની કલમ 135 મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.

 પોલીસ ફરિયાદ મુજબ, સોમવારે બપોરે 3:30 કલાકે કલેકટર ઓફિસના ગેટ પાસે કિશોરભાઈ દેસાઈ (ઉં,78 રહે સુરત) ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયા (ઉં,31 રહે મોટા વરાછા, સુરત) સહિતના આમ આદમી પાર્ટીના 45 કાર્યકરો સરકારે જાહેર કરેલા માસ્કના દંડનો વિરોધ તેમજ હોસ્પિટલોમાં સુવિધાના અભાવ અંગે દર્દીઓને પડતી હાલાકી અંગે જવાબદારી નક્કી કરી જવાબદારો પાસે દંડ વસુલવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા હતા. આ અંગે કોઈ પરમિશન લીધા વગર રેલી સ્વરૂપે એકત્ર થયા હતા.

આ બનાવને પગલે રાણીપ પોલીસે બપોરે તમામને ડિટેઇન કર્યા બાદ તેઓ વિરુદ્ધ સાંજે ગુનો નોંધ્યો હતો. ગુનો દાખલ કર્યા બાદ તમામની ધરપકડની કાર્યવાહી પોલીસે કરી હતી.

અત્રે ઉલેલ્ખનીય છે કે રાજ્ય સરકારે સોમવારે હાઈકોર્ટના હુકમના પગલે માસ્કનો દંડ રૂ 500થી વધારી રૂ.1000 હજાર વસુલવાની જાહેરાત કરી હતી. બીજી તરફ રૂ.500 દંડ વસુલવાની સિસ્ટમ સામે લોકોમાં નારાજગી હતી. જે રકમ ઘટાડવા માટે આવેદનપત્ર પણ અગાઉ અપાયા હતા. તેમ છતાં દંડની રકમ ઘટાડવાને બદલે વધારી દેવામાં આવતા આમ આદમી આટલી મોટી રકમનો દંડ નહીં ભરી શકે તેવી રજૂઆત કાર્યકરોની હતી.

(3:09 pm IST)