Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ

તપાસ સમિતિના પોલીસ હરકતમાં : વધુ બેજવાબદારી ખુલી હોવાની સંભાવના

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 લોકોના મોત મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ગુનો દાખલ કરાયો છે,શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી ભયાવહ આગમાં 8 લોકો ભડથું થઈ ગયાની કરૂણ ઘટનાના પડઘા દિલ્હી સુધી ગુંજયા હતા. જેના પગલે રાજ્ય સરકારે 2 IAS અધિકારીઓની કમિટી બનાવી ઘટનાના જવાબદારો સામે તપાસ કરી 48 કલાકમાં અહેવાલ આપવા આદેશ કર્યો હતો.

 આ કમિટીએ FSL રિપોર્ટ, ઘટના સ્થળની મુલાકાત, પોલીસ તપાસ અને ફાયર અધિકારીઓના અભિપ્રાય સહિતના મુદ્દાઓ પર સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કર્યો હતો. જેમાં હોસ્પિટલ ટ્રસ્ટીઓની બેજવાબદારી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ રિપોર્ટને પગલે રાજ્ય સરકારે ગુનો નોંધવા આપેલી સૂચનાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આરોપી ભરત મહંત વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારને 2 આઈએએસ અધિકારી જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંગ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ 8 કોવિડ દર્દીઓને ભરખી જનાર શ્રેય અગ્નિકાંડનો વિસ્તૃત તપાસનો અહેવાલ સોંપ્યો હતો. જે અહેવાલના અભ્યાસ બાદ રાજ્ય સરકારે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા અને નિવૃત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ન્યાયિક તપાસ કરાવવાના આદેશ સોમવારે આપ્યા હતા. જેના પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં શુક્રવારની પરોઢે 3 વાગ્યે અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, શોટસર્કિટ દ્વારા લાગેલી આગથી બેડ નં 9ના દર્દીના વાળ સળગ્યા હતા. દર્દીને બચાવવાના પ્રયાસમાં વોર્ડ બોયે પહેરેલી પ્લાસ્ટિકની PPE કીટ સળગી ગઈ હતી. જેના કારણે અફરાતફડી મચી હતી. જેના પરિણામે દર્દીઓને લગાવેલા ઓક્સિજન માસ્ક મોઢાં પરથી હટી ગયા હતા. જેથી ઓક્સિજન હવામાં ફેલાયું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ

આ ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલના ચોથા માળે આવેલા ICUમાં મોડી રાત્રે આગની ઘટના સમયે હોસ્પિટલમાં 49 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. જેમાંથી 5 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 8 કોવિડ પેશન્ટનાં મોત નીપજ્યાં હતાં.
શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સીસ્ટમ ન હતી. માત્ર 3 એસ્ટિંગવીશર જ હતા. તે પણ ICU રૂમમાં નહીં પણ ગોડાઉનમાં પડ્યા હતા. એટલું જ નહીં હોસ્પિટલ પાસે ફાયર NOC પણ ન હતી. ફાયર એનઓસીની સમયમર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં ફાયર વિભાગે પણ તેની ચકાસણી કરી ન હતી.આમ છતાં કોર્પોરેશને કોવિડ 19 હોસ્પિટલ તરીકે શ્રેય હોસ્પિટલ સાથે MOU કર્યા હતા.

શ્રેય હોસ્પિટલ દુર્ઘટનામાં ભોગ બનેલાં દર્દીના ઓળખ મનુભાઈ રામી, નવનીત શાહ, નરેન્દ્ર શાહ, આરીફ અન્સારી, આયેશા તિરમીઝી, જ્યોતિ, લીલાવતી શાહ તરીકે થઈ હતી.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના રિપોર્ટમાં ખૂલેલી વિગત મુજબ, ફાયર NOC રિન્યુ નહતી કરાવી, ફાયર સેફ્ટી ન હતી, માત્ર એસ્ટિંગવીશન હતા,વેન્ટીલેશન પણ નહોતું, આ ઉપરાંત એસ્ટિંગવીશન પણ ગોડાઉનમાં મુકેલા હોવાનું તેમજ આઇસીયુમાં બારીઓના દરવાજા બોલ્ટથી ફિટ કરી દેવામાં આવ્યા હોવાથી આગનો ધૂમાડો બહાર નીકળી શક્યો નહોતો.આમ સમગ્ર મામલે હોસ્પિટલ ટ્રસ્ટીની બેદરકારી હોવાનો ખુલાસો રિપોર્ટમાં થયો હતો.

શ્રેય અગ્નિકાંડની તપાસ કરી રહેલાં બી ડીવીઝન એસીપી એલ.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, ફાયર એલાર્મ પણ ન હોવાથી આગ ના કારણે લોકોના જીવ ગયા ફાયર એલાર્મ હોત તો રેસ્ક્યુ ની કામગીરી ઝડપથી થઈ શકી હોત. હાલ શ્રેય અગ્નિકાંડમાં ભરત મહંત વિરુદ્ધ કલમ 336, 337,338,304 આ મુજબ ગુનો દાખલ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ તપાસમાં બીજા લોકોના નામ બેદરકારીમાં બહાર આવશે તો તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

જોકે ACPએ ગુનો નોંધાયાનું જણાવ્યા બાદ પણ નવરંગપુરા પોલીસ સ્ટેશનના PSOએ આવી કોઈ ફરિયાદ ન થયાનું રટણ ચાલુ રાખ્યું હતું.

(2:59 pm IST)