Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ગુજરાતમાં ઘટ્ટ પૂરી થશે, સૌરાષ્ટ્ર - કચ્છમાં પણ ઉજળા સંજોગો

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૨ થી ૨૦ ઓગષ્ટ સુધીની આગાહી : બે-બે સિસ્ટમ્સ અસરકર્તા રહેશે : નોર્થ - મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે છુટોછવાયો, કોઈક દિવસે સાર્વત્રિક વરસાદ પડશે : ૭૫ મી.મી.થી ૧૨૫ મી.મી. અને ભારે સેન્ટરોવાળા વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય : સૌરાષ્ટ્ર - કચ્છમાં અલગ - અલગ દિવસે છુટોછવાયો, કોઈક દિવસે મોટાભાગે હળવો - મધ્યમ - ભારે અને સિમિત વિસ્તારોમાં અતિ ભારે ખાબકે : વરસાદની માત્રા ૫૦ થી ૭૫ મી.મી. અને ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૨૫ મી.મી.ને પણ વટાવી જાય : નોર્થ ઈસ્ટ રાજસ્થાન અને નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે

રાજકોટ, તા. ૧૧ : મેઘરાજાના ઉપરાઉપરી રાઉન્ડ આવી રહ્યા છે. આ વખતે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતમાં  જે જગ્યાએ વરસાદની ઘટ્ટ જોવા મળી છે તે આ રાઉન્ડમાં પૂર્ણ થઈ જશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઉજળા સંજોગો જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, બંગાળની ખાડીવાળુ લોપ્રેસર ગઈકાલે મધ્યપ્રદેશ ઉપર હતું તે આજે નબળુ પડી અને હવે અપરએર સાયકલોનીક સરકયુલેશન તરીકે નોર્થ ઈસ્ટ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં દોઢ કિ.મી.ની ઉંચાઈએ ફેલાયેલ છે. ચોમાસુધરી હાલમાં નોર્મલ પોઝીશન આસપાસ છે. જે બિકાનેરથી ગ્વાલીયર, ધનબાદ, કોલકત્તા થઈને નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી સુધી લંબાય છે. એક ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન ૧૮ ડિગ્રી નોર્થ ઉપર ૫.૮ કિ.મી.ના લેવલે છે.

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં ૧.૫ કિ.મી.થી ૨.૧ની ઉંચાઈએ છે. અશોકભાઈએ તા.૧૨ થી ૨૦ ઓગષ્ટ સુધીની કરેલી આગાહી અંગે જણાવ્યુ છે કે આ સમયગાળા દરમિયાન વિવિધ પરિબળો કામ કરશે જેમાં હાલમાં મોજુદ પરિબળો સિવાય ૧૩મી આસપાસ નોર્થ વેસ્ટ બંગાળની ખાડી ઉપર લો-પ્રેસર અથવા તે વિસ્તારમાં મજબૂત અપરએર સાયકલોનીક સરકયુલેશન તેવી જ રીતે આગાહી સમય દરમિયાન એક વખત લોપ્રેસર અને મજબૂત અપરએર સાયકલોનીક સરકયુલેશન પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડી આસપાસ થશે તે સિવાય ૧૬મી આસપાસ ૩.૧ કિ.મી.ના લેવલે બહોળુ સરકયુલેશન ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી છવાશે.

ઓવરઓલ નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની ઘટ્ટ જોવા મળી છે. તે આ આગાહીના સમયમાં ઘણો ફાયદો કરાવશે. નોર્થ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે છુટોછવાયો, અમુક દિવસે સાર્વત્રિક, હળવો - મધ્યમ - ભારે અને અતિ ભારે વરસાદ પડશે. ઓવરઓલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. જેની માત્રા ૭૫ મી.મી.થી ૧૨૫ મી.મી. તેમજ ભારે વરસાદના સેન્ટરોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય.

ઓવરઓલ ગુજરાત રીજન કરતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછુ જોવા મળે તેવુ હાલમાં અનુમાન છે. અલગ અલગ દિવસે છુટોછવાયો, કોઈક દિવસે મોટાભાગે હળવો - મધ્યમ - ભારે અને સીમીત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકે. વરસાદની માત્રા ૫૦ થી ૭૫ મી.મી. અને અતિ ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૨૫ મી.મી.થી વધુ વરસાદ પડશે.

આ સિવાય નોર્થ ઈસ્ટ રાજસ્થાન અને નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

(2:34 pm IST)