Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમદાવાદના શાહપુરમાંથી બોગસ ડોકટર પકડાયો : ભાઈની ડીગ્રી પર ક્લિનિક ચલાવતા ઝડપાઇ ગયો

દર્દીને દવા લેતાંની સાથે જ ઇન્ફેકશન થતાં CPAC સમક્ષ ફરિયાદ કરતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ: ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ (CPAC)એ શાહપુર અડ્ડા વિસ્તારમાં દર્દી સાથે પહોંચીને દવાખાના પર દરોડા પાડીને બોગસ ડોકટરને ઝડપી લીધો હતો. આ અંગે શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 બીજી તરફ કન્ઝયુમર પ્રોટેકશન એન્ડ એકશન કમિટી (CPAC )એ રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર હેંમત કોશિયા સહિત શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તેમ જ એ.એમ.સી.ના મેડિકલ હેલ્થ ઓફીસરને ફરિયાદ કરી છે.

શહેરના ઘીકાંટા સ્થિત ગોસ્વામી મહારાજના વંડામાં રહેતા મુકેશભાઈ જંયતિભાઇ દરબારે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેમને શરીર અને માથું દુખતું હોવાથી 5મી ઓગસ્ટના રોજ શાહપુર અડ્ડા વિસ્તારમાં ડો. નાસીર કાગદી કે જેઓ બી.એ.એમ.એસ.ની ડિગ્રી ધરાવે છે તેમની પાસે દવા લેવા ગયા હતા. દવા લેતાંની સાથે જ તેમને શરીર પર એલર્જી થવાની સાથે શરીરે બળતરા થવા લાગી હતી. આ ડોકટર પાસે દવા લેવાના કારણે મારી જે સ્થિતિ થઇ તે બીજા દર્દીની ના થાય તે માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ કરી હતી.

જેના પગલે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ મુકેશ પરીખ તથા મહિલા પાંખના પ્રમુખ સુચિત્રા પાલ સહિતની ટુકડી શાહપુર અડ્ડા વિસ્તારમાં આવેલા ડો. કાગદીના દવાખાના પર પહોંચીને ડોકટર પાસે તેમની ડીગ્રી ચેક કરવા માંગી હતી. જવાબમાં ડોકટર કાગદીએ તેમના ભાઇની ડિગ્રીના આધારે દવાખાનું ચલાવતાં હોવાનું માલૂમ પડયું હતુ. જેથી તેમણે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી. સમગ્ર મામલો શાહપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.

સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, આ પ્રકારે અમદાવાદ શહેરમાં અસંખ્ય સ્થળોએ બોગસ ડોકટરો પ્રેકટીસ કરીને પ્રજાની જીંદગી સાથે ચેડાં કરી રહ્યા છે. આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોંલકી સહિત ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે. આવા અમદાવાદ સહિત આખાય ગુજરાતમાં 2 હજાર જેટલા ઉટવૈધોના રાફડા ફાટી નીકળ્યા છે. આ અંગે ગ્રાહક પગલાં સમિતિ અને આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને ઝુંબેશ ઉપાડી છે.

(10:27 pm IST)